અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા  હરીહર કેમિકલ્સ ટ્રેડીંગના ગોડાઉનમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ દરોડો પાડીને અત્યંત જ્વલનશીલ કેમિકલ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. લાયસન્સ વિના જોખમી કેમિકલ્સનો સંગ્રહ અને વેપાર કરવા બદલ કંપનીના માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. LCBને મળેલી બાતમીના આધારે હરીહર કેમિકલ્સ ટ્રેડીંગના કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો, ત્યારે સ્થળ પર એક ટેન્કરમાંથી પાઈપ વડે ગોડાઉનમાં રાખેલા બેરલોમાં ક્લોરોફોર્મ ભરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી.
પોલીસે ગોડાઉનની વધુ તપાસ કરતા ત્યાંથી કુલ 125 બેરલો મળી આવ્યા હતા, જેમાં અત્યંત જ્વલનશીલ બે કેમિકલનો વિશાળ જથ્થો સંગ્રહિત હતો. કેમિકલનો કુલ 27,500 લીટર જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹23.68 લાખ આંકવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં કંપની માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તે છેલ્લા આઠ વર્ષથી કોઈપણ લાયસન્સ કે ફાયર સેફટીના સાધનો વિના આ ગેરકાયદેસર અને જોખમી વેપલો ચલાવી રહ્યો હતો.તેણે આ કેમિકલ્સ મુખ્યત્વે રાયગઢ અને સાયખા GIDC માં આવેલી કસ્તુરી એરોમેટિક નામની કંપની પાસેથી ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત અલગ-અલગ કંપનીઓમાંથી કેમિકલ ખરીદીને પોતાના ગોડાઉનમાં કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વિના સંગ્રહ કરતો હતો અને ત્યારબાદ તે કેમિકલ્સને અંકલેશ્વર GIDCની અન્ય કંપનીઓમાં વેચતો હતો.
			

                                
                                



