મંગળવારે સાંજે છત્તીસગઢના બિલાસપુર સ્ટેશન નજીક એક મેઈનલાઈન ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેન
અને માલગાડી સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 11 મુસાફરોના મોત થયા
છે અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેમુ ટ્રેનનો એક ડબ્બો
માલગાડીના ડબ્બાની ઉપર ચડી ગયો છે, જેનાથી આ અકસ્માત કેટલો ભયંકર હતો એનો અંદાજ
લગાવી શકાય છે.
અહેવાલ મુજબ આ અકસ્માત સાંજે 4 વાગ્યાના અરસામાં બન્યો હતો, MEMU પેસેન્જર ટ્રેન કોરબા
જિલ્લાના ગેવરાથી બિલાસપુર જઈ રહી હતી, ત્યારે માલગાડી પાછળ અથડાઈ હતી. આ ટક્કર એટલી
જોરદાર હતી કે મેમુ પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડીના વેગન પર ચડી ગયો હતો. મૃતકોમાં મેનુ
ટ્રેનના લોકો પાયલોટનો સમાવેશ થયા છે.અકસ્માતની જાણ થતા જ રેલ્વે અધિકારીઓ, સ્થાનિક
વહીવટીતંત્ર અને NDRFની રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મેડિકલ ટીમો અને
એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી, ડોકટરોએ ઘટનાસ્થળે જ ઘાયલોની સારવાર શરુ કરી હતી અને
ત્યાર બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અકસ્માતને કારણે ઓવરહેડ
ઇલેક્ટ્રિક વાયરિંગ અને સિગ્નલિંગ સિસ્ટમને નુકસાન પહોંચતા સમગ્ર રૂટ પર રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો
હતો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે, પ્રાથમિક અહેવાલો સિગ્નલ
આપવામાં ભૂલ અથવા અન્ય માનવ ભૂલને કારણે આ સ્કાસ્માત થયો હોઈ શકે.






