ગુજરાતમાં ફેક્ટરીની સંખ્યા વધી રહી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ ફેક્ટરી ધરાવતું બીજા ક્રમનું રાજ્ય
બન્યું હતું. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, રાજ્યમાં 2023-24 માં
33,311 નોંધાયેલ ફેક્ટરીઓ હતી, જે 2010-11 માં 21,282 હતી એટલે કે 13 વર્ષમાં લગભગ 56 ટકાનો
વધારો થયો હતો. આ સાથે ગુજરાતે ફેક્ટરીની સંખ્યા બાબતે મહારાષ્ટ્રને પાછળ રાખ્યું હતું. તમિલનાડુ
40,121 ફેક્ટરીઓ સાથે આ યાદીમાં ટોચ પર છે, જ્યારે મહારાષ્ટ્ર 26,539 યુનિટ્સ સાથે ત્રીજા ક્રમે છે.
સૂત્રો મુજબ, આ પાછળનું કારણ ગુજરાતની ઔદ્યોગિત નીતિઓ, અવિરત વીજ પુરવઠો, કાર્યક્ષમ
લોજિસ્ટિક્સ અને એમએસએમઈ-આધારિત ઔદ્યોગિક ક્લસ્ટર્સની ઝડપી વૃદ્ધિ છે. આ ઉપરાંત અમદાવાદ,
સાણંદ, સુરત, વડોદરા, ભરૂચ, જામનગર, નરોડા, વટવા, નારોલ, ચાંગોદર-મોરૈયા, બાવળા, છત્રાલ
અને કલોલ જેવા જિલ્લાઓ આને વેગ આપતા મુખ્ય ઉત્પાદન પટ્ટાઓ તરીકે ઉભરી આવ્યા છે.ઔદ્યોગિક
એકમોમાં સતત વધારો રાજ્યના જીએસટી કલેક્શનમાં પણ જોવા મળ્યો હતો. જીએસટી કલેકશન છ
વર્ષમાં લગભગ ત્રણ ગણું વધ્યું હતું. જીએસટી અમલના પ્રથમ વર્ષ 2017-18 (જુલાઈથી) માં ₹
45,905 કરોડ હતું, જે વધીને 2023-24 માં ₹ 1,25,168 કરોડ થયું છે. કોરોના મહામારીના વર્ષને
બાદ કરતાં જીએસટી આવક સતત વધી છે.






