ભારત સાથેના વેપાર કરારો વિશે ચાલી રહેલી વાતચીતના સવાલો પર ગુરુવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘વાતચીત સારી ચાલી રહી છે. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. PM મોદી મારા મિત્ર છે અને અમે વાત કરીએ છીએ. તે ઈચ્છે છે કે હું ત્યાં જાઉં. અમે આ અંગે વિચારણા કરીશું, હું જઈશ. વડાપ્રધાન મોદી એક મહાન વ્યક્તિ છે અને હું ચોક્કસ જઈશ.’ વોશિંગ્ટન દ્વારા ભારે ટેરિફ લાદવાના નિર્ણયને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતમાં યોજાનારા ‘ક્વાડ’ શિખર સંમેલન માટે ભારત આવવા ઈચ્છતા નહોતા; જોકે, તેના થોડા મહિના પછી, તેમણે આવતા વર્ષે ભારત આવવાની યોજના વિશે પૂછવામાં આવતાં કહ્યું, ‘હા, એવું થઈ શકે છે, હું ભારતની મુલાકાત લઈશ.’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ‘મેં જે 8 યુદ્ધોનો અંત લાવ્યો, તેમાંથી 5-6 તો ટેરિફને કારણે જ સમાપ્ત થયા હતા. જો તમે ભારત અને પાકિસ્તાનને જુઓ, તો તેમણે લડાઈ શરૂ કરી દીધી હતી, તેઓ બે પરમાણુ સંપન્ન રાષ્ટ્રો હતા. 8 વિમાન તોડી પાડવામાં આવ્યા અને મેં કહ્યું, સાંભળો, જો તમે લડવાના છો, તો હું તમારા પર ટેરિફ લગાવીશ અને તેઓ તેનાથી ખુશ નહોતા. 24 કલાકની અંદર, મેં યુદ્ધનો ઉકેલ લાવી દીધો. જો મારી પાસે ટેરિફનું હથિયાર ન હોત, તો હું યુદ્ધનો ઉકેલ લાવી શક્યો ન હોત.’ વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે આ પહેલાં દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે ટ્રમ્પની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી અને ભારતને અમેરિકા માટે એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો હતો.લેવિટે કહ્યું, ‘ટ્રમ્પ ભારત અને અમેરિકાના સંબંધોને લઈને ગંભીર છે. તેમણે થોડા અઠવાડિયા પહેલાં વ્હાઇટ હાઉસમાં અનેક ઉચ્ચ પદસ્થ ભારતીય-અમેરિકી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી દરમિયાન PM નરેન્દ્ર મોદી સાથે સીધી વાત પણ કરી હતી.’
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે વેપાર મંત્રણા ચાલુ છે, જેમાં 25 ટકા વધારાનો ડ્યૂટી પણ સામેલ છે. થોડા અઠવાડિયા પહેલાં જ, તેમણે વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસમાં અનેક ભારતીય-અમેરિકી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી ત્યારે વડાપ્રધાન સાથે સીધી વાત પણ કરી હતી.આ બધા વચ્ચે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘ભારત તેલ અને ગેસનું એક મહત્ત્વનું આયાતકાર છે. અસ્થિર ઊર્જાના માહોલમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું એ અમારી સતત પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ સંપૂર્ણપણે આ જ ઉદ્દેશ્યથી દોરવાયેલી છે.’






