શુક્રવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા 100થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. આ મોટા વિલંબને કારણે દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું કે, ‘ATC સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહ્યો છે. ખામી વહેલી તકે દૂર કરવા DIAL સહિત તમામ હિતધારકો સક્રિય છે. મુસાફરોને વધુ માહિતી માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરાઈ હતી અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.
PTIના સૂત્રો અનુસાર, ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં ખામી હતી, જે ફ્લાઇટ પ્લાન આપતી ઓટો ટ્રેક સિસ્ટમ (AMS) માટે માહિતી પૂરી પાડે છે. વિલંબના અહેવાલ બાદ સ્પાઇસજેટએ એડવાઇઝરી જાહેર કરી કે દિલ્હીમાં ATCની ભીડને કારણે તમામ આવક-જાવક (Arrivals/Departures) અને તેના પછીની ફ્લાઇટ્સ પર અસર થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસતા રહે.






