પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડા મોહમ્મદ મુસ્તફા અને તેમનાં પત્ની પંજાબના પૂર્વ મંત્રી રઝિયા સુલતાનાના પુત્ર અકીલ (35)નું 16 ઓક્ટોબરે પંચકુલામાં અવસાન થયું હતું. જોકે, અગાઉ અકીલે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા હતા. જેમાં તેણે પોતાના પિતા મોહમ્મદ મુસ્તફાના પોતાની પત્નિ સાથે શારીરિક સંબંધો હોવાનો આક્ષેપ કર્યો હતો. અંતે મોહમ્મદ મુસ્તફા અને રઝિયા સુલતાના દીકરાની હત્યાના કેસમાં ફસાયા હતા. હવે, CBI દ્વારા આ દંપતિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ પંજાબના ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફા, તેમના પત્ની અને પંજાબના ભૂતપૂર્વ જાહેર બાંધકામ મંત્રી રઝિયા સુલ્તાના, અને અન્ય લોકો વિરુદ્ધ તેમના પુત્ર અકીલ અખ્તર (35)ની “હત્યા” ના સંદર્ભમાં FIR નોંધી છે. CBIના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. FIR મુજબ, મૃતક અખ્તર અને તેના પરિવાર વચ્ચે અણબનાવ હતો. અકીલ અખ્તર 16 ઓક્ટોબરના રોજ હરિયાણાના પંચકુલામાં મનસા દેવી મંદિર પાસે સેક્ટર 4માં આવેલા તેમના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આંતરિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકીલ અખ્તરના જમણા હાથ પર કોણીથી લગભગ 7 સેન્ટિમીટર નીચે સિરીંજનું નિશાન જોવા મળ્યું હતું.




