રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ગુરુવારે (20મી નવેમ્બર) સવારે દિલ્હીમાં ધુમ્મસનું જાડું સ્તર છવાઈ ગયું હતું, જેને કારણે દિલ્હી ‘ગેસ ચેમ્બર’ જેવી હાલતમાં ફેરવાઈ ગયું છે અને લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો છે. ગુરુવારે સવારે 7 વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI 399 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીની ટોચ પર છે અને ‘ગંભીર’ શ્રેણીની નજીક છે. શહેરના કેટલાક વિસ્તારોમાં AQI 450ને પાર કરી ગયો હતો, જે અત્યંત જોખમી છે.’ગંભીર’ શ્રેણીમાં AQI પંજાબી બાગ વિસ્તારની આસપાસ 439, આનંદ વિહારમાં 420, બાવાનામાં 438, બુરાડીમાં 414, જહાંગીરપુરીમાં 451 અને વઝીરપુરમાં 477 નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અલીપુરમાં 366, ચાંદની ચોકમાં 418, ITOમાં 400, દ્વારકામાં 411 અને નરેલામાં 392 AQI નોંધાયું હતું. દિલ્હીને અડીને આવેલા નોઈડા સેક્ટર-62માં 348, ગાઝિયાબાદમાં વસુંધરા, 430, ઈન્દિરાપુરમમાં 428 અને ગુરુગ્રામ સેક્ટર-51માં 342 નોંધાયું હતું. બુધવારે દિલ્હીની હવાની ગુણવત્તા “ગંભીર” શ્રેણીની નજીક પહોંચી ગઈ હતી, જેમાં શહેરનો સરેરાશ AQI વધીને 392 થયો હતો.
ઉલ્લેખનીય છે કે, CPCB ધોરણો મુજબ, 0-50 વચ્ચે AQI ‘સારું’, 51-100 ‘સંતોષકારક’, 101-200 ‘મધ્યમ’, 201-300 ‘ખરાબ’, 301-400 ‘ખૂબ જ ખરાબ’ અને 401-500 ‘ગંભીર’ ગણાય છે.બુધવારે પણ દિલ્હીનો સરેરાશ AQI વધીને 392 થયો હતો. પ્રદૂષણની આ વિકટ સ્થિતિને કારણે શાળાઓ બંધ કરવી અને બાંધકામ પર પ્રતિબંધ મૂકવા જેવા કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.






