મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં ગત સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા, કાર બેકાબૂ થઈ ગઈ હતી અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમા ફ્લાયઓવર પર એક ઝડપી કાર ચારથી પાંચ વાહનો સાથે અથડાઈ, જેમાં સામેથી આવી રહેલા બે ટુ-વ્હીલરનો પણ સમાવેશ થાય છે, અને કાર પલટી ગઈ. વીડિયોમાં દેખાય છે કે કાર બાઇક સાથે અથડાઈ રહી છે, જેના કારણે એક બાઇક સવાર હવામાં ઘણાં ફૂટ ઉછળીને ફ્લાયઓવરની બીજી બાજુ પડ્યો હતો.આ અકસ્માતમાં કાર ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા. અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.






