દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલવામાં આવેલા અત્યાધુનિક હથિયારોની સપ્લાય ભારતના કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક તસ્કરો રાજધાની દિલ્હીમાં હથિયારોની મોટી ખેપ પહોંચાડવા માટે આવવાના છે. આ ઈનપુટના આધારે, પોલીસે દિલ્હીના રોહિણી વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી અને ચારેય આરોપીઓને હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે.પોલીસના જણાવ્યા અનુસાર, હથિયારોની આ ખેપ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબના રસ્તે ભારત પહોંચાડવામાં આવી હતી. ત્યાંથી, આ તસ્કરો તેને દિલ્હી લાવ્યા હતા, જ્યાંથી તે લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ જેવી કુખ્યાત ગેંગને સપ્લાય થવાની હતી. જપ્ત કરાયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઈ-ટેક અને અત્યાધુનિક વેપન્સનો સમાવેશ થાય છે. પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આ રેકેટના અન્ય સભ્યોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




