ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા સરહદો બદલવા અને સિંધના ભવિષ્યમાં ભારતમાં પુનઃવિલય અંગે આપેલા એક નિવેદનથી પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન આ નિવેદનને ‘વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારા’ સાથે જોડી રહ્યું છે અને બદલામાં ભારતને તેના પૂર્વોત્તર રાજ્યોની ‘સમસ્યા’ યાદ અપાવી રહ્યું છે.
રવિવારે દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ” આજે ભલે ભૌગોલિક રીતે સિંધ ભારતનો હિસ્સો નથી, પરંતુ સભ્યતાની દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને ભવિષ્યમાં તે ફરીથી ભારતમાં પાછું આવી શકે છે.” તેમણે ઉમેર્યું કે તેમની પેઢીના સિંધી હિન્દુઓએ પાકિસ્તાનમાં સિંધના વિલયને ક્યારેય સ્વીકાર્યું નથી. આ નિવેદન બાદ પાકિસ્તાનમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.આ નિવેદન પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આવા નિવેદનો વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારાને ઉજાગર કરે છે, જે સ્થાપિત સત્યોને પડકારે છે અને આંતરરાષ્ટ્રીય કાયદા, માન્ય સરહદોની અખંડિતતા અને રાજ્યોની સંપ્રભુતાનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે.” પાકિસ્તાને રાજનાથ સિંહ અને અન્ય ભારતીય નેતાઓને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકતી ઉશ્કેરણીજનક નિવેદનબાજીથી દૂર રહેવા જણાવ્યું છે.
પાકિસ્તાને ભારતને વણમાગી સલાહ આપતા કહ્યું કે, “ભારત સરકારે પોતાના નાગરિકો, ખાસ કરીને લઘુમતી સમુદાયોની સુસંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.” આટલેથી ન અટકતા, પાકિસ્તાને ભારતને તેના પૂર્વોત્તર રાજ્યોની સમસ્યાઓ પર ધ્યાન આપવા કહ્યું અને આરોપ લગાવ્યો કે ત્યાંના લોકો વ્યવસ્થિત રીતે અલગ-થલગ થવાનો, ઓળખ આધારિત અત્યાચાર અને સરકારી હિંસાનો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ, પોતાના પરંપરાગત વલણ મુજબ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો.






