કમ્પુટર મેન્યુફેક્ચરિંગ કંપની HP Inc. એ એક મહત્ત્વપૂર્ણ પુનર્ગઠન યોજનાની જાહેરાત કરી છે. જેના
હેઠળ કંપની 2028 સુધીમાં 4,000 થી 6,000 કર્મચારીઓની છટણી કરશે. કંપનીના આ નિર્ણય અંગે
CEO એનરિક લોરેસના જણાવ્યું હતું કે, આ છટણી AI-આધારિત સિસ્ટમોને અપનાવવાના કારણે
કરવામાં આવી રહી છે. આ સિસ્ટમો કામગીરીને વધુ ઝડપી, સચોટ અને ખર્ચ-અસરકારક બનાવશે.
મોટા ફેરફારથી કંપનીને આગામી ત્રણ વર્ષમાં આશરે $1 બિલિયન એટલે કે અંદાજે રૂ. 8,300 કરોડની
બચત થશે. આ છટણીની સૌથી મોટી અસર પ્રોડક્ટ ડેવલપમેન્ટ, આંતરિક કામગીરી અને કન્ઝ્યુમર
સપોર્ટ ટીમો પર પડશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ HP એ 1,000 થી 2,000
કર્મચારીઓની છટણી કરી હતી.HP એ જણાવ્યું કે, AI-પર્સનલ કમ્પ્યુટર્સ (AI PCs)ની માંગ ઝડપથી
વધી રહી છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીના કુલ PCsમાંથી 30 ટકા AI PCs હતા. જોકે, આ વધતી
માંગની બે ગંભીર અસરો જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ડેટા સેન્ટરોમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઊંચી માંગને કારણે DRAM અને NAND
ચિપ્સના ભાવ સતત વધી રહ્યા છે. આ ભાવ વધારો HP, Dell અને Acer જેવી કંપનીઓના નફા
પર નોંધપાત્ર દબાણ લાવી શકે છે. HP જણાવે છે કે ચિપના ભાવમાં વધારાની મોટી અસર 2026ના
બીજા ભાગમાં અનુભવાશે. ભાવ વધારાને કારણે કંપનીએ નફો ઘટવાની આગાહી કરી હતી. આ
આગાહીના પગલે કંપનીના શેર 5.5 ટકા ઘટ્યા હતા.






