વોશિંગ્ટન ડીસીમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પના નિવાસ વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે ૨:૩૦ વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મેટ્રોપૉલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે, ગોળીબાર વ્હાઇટ હાઉસની પાસે થયો છે. ઘટનાની તુરંત બાદ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અસૉલ્ટ રાઇફલથી સજ્જ અધિકારી અનેક બ્લૉક્સમાં ફેલાઇ ગયા હતા અને સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો. રસ્તા બંધ કરી દેવાયા, અનેક પોલીસ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ ટીમ સક્રિય થઈ ગઈ. ત્યાં હાજર લોકોના જણાવ્યાનુસાર, અમુક જ મિનિટોમાં સુરક્ષાનો એક મોટો ઘેરો બનાવી દેવાયો અને કોઈને પણ પાસે જવાની મંજૂરી નહતી. એફબીઆઈની વોશિંગ્ટન ફીલ્ડ ઓફિસે કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં બે નેશનલ ગાર્ડ સભ્યો પર થયેલી ફાયરિંગની તપાસ માટે સ્થાનિક કાયદાનું અમલ કરાવતી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. તપાસ શરૂ હોવાના કારણે હાલ કોઈ વધુ માહિતી શેર કરી શકાશે નહીં. જોકે, અધિકારીઓએ હજું સુધી એ નથી જણાવ્યું કે, ફાયરિંગ કેમ થયુ ? આટલા મહત્ત્વપૂર્ણ સ્થળે ગોળીબાર થવો એક ગંભીર બાબત છે. તેથી, તપાસ એજન્સી કોઈપણ જાણકારીને ઉતાવળમાં જાહેર નથી કરી રહી.
જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી અફઘાનિસ્તાનનો નાગરિક છે. શંકાસ્પદનું નામ રહેમાનુલ્લાહ લાકનવાલ જણાવવામાં આવી રહ્યું છે. શરૂઆતી તપાસમાં સામે આવી રહ્યું છે, વર્ષ ૨૦૨૧માં યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસએ અફઘાન નાગરિકો માટે ‘ઓપરેશન અલાઇઝ વેલકમ’ હેઠળ શરણ અરજી પ્રક્રિયા તેજ કરવામાં આવી હતી અને લાકનવાલે પણ આ પ્રોગ્રામનો ઉપયોગ કરીને અમેરિકામાં પ્રવેશ કર્યો હતો.
આ ઘટના આતંકી હુમલો : ટ્રમ્પ
અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર બુધવારે થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર અમેરિકામાં સનસનાટી ફેલાવી દીધી છે. એક શૂટરે ત્યાં તૈનાત બે નેશનલ ગાર્ડના સભ્યોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. વળતા જવાબમાં સુરક્ષા દળોએ હુમલાખોરને પણ ઘાયલ કરીને કસ્ટડીમાં લઈ લીધો છે. આ ઘટના બાદ ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતા આરોપીને ‘જાનવર’ કહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ આતંકી હુમલો જ હતો.






