અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૫૦ ટકા ઊંચા ટેરિફ સામે યુએસ સંસદમાં ત્રણ ડેમોક્રેટ સાંસદોએ એક પ્રસ્તાવ રજૂ કરીને ટ્રમ્પને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સાંસદોનું કહેવું છે કે રાષ્ટ્રીય કટોકટીના નામે લાદવામાં આવેલા આ ટેરિફ ગેરકાયદેસર છે અને તેનાથી સામાન્ય અમેરિકનોને જ નુકસાન થઈ રહ્યું છે.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (નોર્થ કેરોલિના), માર્ક વીજી (ટેક્સાસ) અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોય) એ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ દ્વારા, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય આયાત પર ટેરિફ ૫૦ ટકા સુધી વધારવા માટે જે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી હતી, તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે.ડેમોક્રેટ સાંસદોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે,આ ટેરિફ ગેરકાયદેસર છે, અમેરિકન હિતોની વિરુદ્ધ છે, અને સૌથી વધુ નુકસાન સામાન્ય અમેરિકન નાગરિકોને થઈ રહ્યું છે. આ વાસ્તવમાં રોજબરોજની વસ્તુઓ પર અમેરિકનો પરનો વધારાનો ટેક્સ છે.
ટ્રમ્પે ૦૧ ઓગસ્ટના રોજ ભારત પર ૨૫ ટકા ‘રેસિપ્રોકલ ટેરિફ’ લાદ્યો હતો. ત્યારબાદ ૨૭ ઓગસ્ટના રોજ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારત પર વધારાનો ૨૫ ટકા ‘સેકન્ડરી ટેરિફ’ લગાવવાની જાહેરાત કરી હતી, જે અગાઉના ટેરિફ ઉપરાંત હતો. આ બંને ટેરિફને કારણે ઘણા ભારતીય ઉત્પાદનો પરની આયાત પડતર બમણી થઈ ગઈ હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે તેની ટેરિફ નીતિઓ લાગુ કરવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો આશરો લીધો હતો.





