ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંસા ભડકી છે. જેમાં ઈકબાલ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ લોકો બેકાબૂ બન્યા છે સમગ્ર ઢાકામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં અનેક સ્થાનો પર પથ્થરમારા અહેવાલ પણ પ્રકાશમાં આવ્યા છે. શરીફ ઉસ્માન હાદીનું મૃત્યુ સિંગાપુરમાં એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું છે. આ હિંસા દરમિયાન ભારતીય રાજદ્વારીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન બાંગ્લાદેશના પોર્ટ સિટી ચટ્ટગાંવમાં ભારતીય આસિસ્ટન્ટ હાઈ કમિશનની નિવાસ નજીક પ્રદર્શનકારીઓએ હુમલો અને તોડફોડ કરી હતી. જેના લીધે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તેમજ આ ઘટના બાદ અધિકારીઓ અને તેમના પરિવારની ચિંતામાં પણ વધારો થયો છે. જોકે, પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે તેમજ સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે.
આ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં છેલ્લા ૩૬ કલાકમાં ચાર ભારતીય રાજદ્વારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશનને નિશાન બનાવવામાં આવ્યું છે. જ્યારે ચટ્ટગાંવ, રાજશાહી અને ખુલનામાં હાઈ કમિશનના અધિકારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં બુધવારે ચટ્ટગાંવમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધીઓએ બેરિકેડ તોડી નાખ્યા હતા અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
મીડિયા અહેવાલ મુજબ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ પોલીસને અવામી લીગના સભ્યોની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૌધરીએ બુધવારે બપોરે નારાયણગંજ જિલ્લામાં આ નિવેદન આપ્યું હતું.
ઈકબાલ મંચના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં અખબારોની ઓફિસોને નિશાન બનાવવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની આડમાં તોફાનીઓએ અખબારની ઓફિસોમાં તોડફોડ કરી હતી. આ સમયે ઓફીસમાં કર્મચારીઓ પણ હાજર હતા.





