રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે, ત્યારે ફરી એકવાર સ્થિતિ ગંભીર બનતી દેખાઈ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા આ સંઘર્ષમાં શાંતિની આશા જન્મી હતી, પરંતુ તાજેતરના ડ્રોન હુમલાના દાવાઓએ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધારી દીધો છે.
રશિયાએ કરેલા ગંભીર આક્ષેપોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જેનાથી આગામી સમયમાં યુદ્ધ વિરામની શક્યતાઓ પર પ્રશ્નાર્થચિહ્ન મુકાયું છે.
રશિયાએ સોમવારે દાવો કર્યો હતો કે યુક્રેને ઉત્તરી રશિયામાં સ્થિત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખાનગી આવાસને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કુલ 91 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને રશિયન એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા.
જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે આને રશિયાનું “જૂઠાણું” ગણાવતા કહ્યું કે, રશિયા શાંતિ વાટાઘાટોને નબળી પાડવા માટે આવા નિવેદનો આપી રહ્યું છે.
આ સમગ્ર મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખુલાસો કર્યો હતો કે ખુદ પુતિને તેમને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. ફ્લોરિડામાં ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથેની મુલાકાત પહેલા ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ પુતિનના દાવા સાંભળીને નારાજ છે, પરંતુ તેમણે એમ પણ ઉમેર્યું કે આ દાવો ખોટો પણ હોઈ શકે છે. ટ્રમ્પના મતે, યુદ્ધમાં હુમલા કરવા અલગ વાત છે અને કોઈ નેતાના ઘરને નિશાન બનાવવું એ અસ્વીકાર્ય છે. ટ્રમ્પે છેલ્લા 24 કલાકમાં પુતિન સાથે બે વાર વાત કરી છે અને તેને “સકારાત્મક” ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ શાંતિની વાતો થઈ રહી છે, તો બીજી તરફ મેદાન પર સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ પુતિને તેમના સૈન્ય દળોને યુક્રેનના ઝાપોરિઝિયા ક્ષેત્ર પર સંપૂર્ણ કબજો મેળવવા માટે અભિયાન તેજ કરવાના આદેશ આપ્યા છે.
ક્રેમલિને ફરી એકવાર માંગ કરી છે કે યુક્રેન ડોનબાસના વિસ્તારોમાંથી તેના સૈનિકો પાછા ખેંચી લે. રશિયાની આ આક્રમક રણનીતિ અને ડ્રોન હુમલાના દાવાઓ વચ્ચે વિદેશી નિષ્ણાતો માની રહ્યા છે કે જો હુમલાની વાત સાચી સાબિત થશે, તો શાંતિ પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે.





