બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બર, મંગળવારના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા ખાલિદા જિયાના નિધનની સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી છે.
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે ખાલિદા ઝિયાએ મંગળવારે સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. લિવરની સમસ્યા, ડાયાબિટીસ, છાતી અને હૃદયની તકલીફ સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝૂઝી રહેલા ઝિયા 23 નવેમ્બરથી ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને 11 ડિસેમ્બરના રોજ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.ખાલિદા ઝિયાની ઉમંર 80 વર્ષ હતી, બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાએ એક મજબૂત રાજકીય વારસો છોડ્યો છે, જેની શરૂઆત 1991માં લોકશાહીની સફર સાથે થઈ હતી. 1981માં તેમના પતિ ઝિયાઉર રહેમાનની હત્યા બાદ તેઓ બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં નેતા તરીકે ઊભર્યાં હતાં અને તેમણે વડાં પ્રધાન તરીકે બે વખત, પ્રથમ 1990ના દાયકામાં અને પછી 2000ના દાયકાની શરૂઆતમાં, સેવા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ, તેમણે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત દરેક સંભવ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય વિશે જાણીને ખૂબ જ ચિંતિત છું. તેમણે ઘણા વર્ષો સુધી બાંગ્લાદેશના જાહેર જીવનમાં યોગદાન આપ્યું છે. અમે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત દરેક સંભવ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.’
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ 2015માં ખાલિદા ઝિયા સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો હતો, જેમાં દ્વિપક્ષીય સંબંધોમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.




