આ વર્ષે મધ્યપૂર્વમાં સતત ભૂ-રાજકીય તણાવ રહ્યો, વર્ષના અંતે યમનમાં ચાલતા ગૃહ યુદ્ધ મામલે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત બાખડી પડ્યા. ગઈ કાલે સાઉદીની આગેવાની હેઠળના સંયુક્ત દળોએ યમનના મુકલ્લા બંદર પર યુએઈથી આવેલા શિપમેન્ટને નિશાન બનાવી બોમ્બમારો કર્યો હતો. હવે યુએઈએ જણાવ્યું છે કે તે યમનમાંથી તેની સેના પાછી ખેંચી લેશે.
સાઉદી અરેબિયા અને યુએઈ એક સમયે યમનના હુતી બળવાખોરો સામે લડતા દળોના મુખ્ય સ્તંભો હતાં, હવે યમનમાં રાજકીય સ્થિતિ મામલે બંને દેશો આમને સામને આવી ગયા છે, હવે ચાલી રહેલો તણાવ લશ્કરી કાર્યવાહી અને અને રાજદ્વારી કટોકટીમાં પરિણમ્યો છે.
યુએઈના ફુજૈરાહ બંદરથી નીકળેલું એક શિપમેન્ટ ગઈ કાલે મંગળવારે યમનના મુકલ્લા બંદર પર પહોંચ્યું હતું, ત્યારે સાઉદી અરેબિયાની આગેવાની વાળા દળોએ મુકલ્લા પર બોમ્બમારો કર્યો હતો. સાઉદીએ આરોપ લગાવ્યો કે શિપમેન્ટમાં યુએઈએ સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ માટે મોકલેલા શસ્ત્રો હતાં.
યુએઈ સમર્થિત એસ.ટી.સી. એપ્રિલ 2017 થી યમનના દક્ષિણ ભાગો પર સંપૂર્ણ કબજો કરી અને પોતાની સત્તા સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું છે, બીજી તરફ સાઉદી અરેબિયા યેમેની સૈન્યને સમર્થન આપી રહ્યું છે, સ્થાનિક આદિવાસી ગઠબંધનો, હદ્રામૌત ટ્રાઇબલ એલાયન્સ પણ તેની સાથે જોડાયેલું છે. આમ સાઉદી અને યુએઇ યમનનાં રાજકીય હરીફ જૂથોને સમર્થન આપી રહ્યા છે.
નોંધનીય છે કે ગત મહીને એસ.ટી.સી. એ યમનના હદ્રામાઉટ અને માહરા પ્રાંતોનો કાજાબો કરી લીધો હતો, આ પ્રદેશમાં આવેલા કેટલીક પેટ્રોલિયમ ફેસિલિટી આવેલી છે, ત્યાર બાદથી યુએઈ અને સાઉદી વચ્ચે તણાવ વધી રહ્યો હતો.
રેડ સી અને ગલ્ફ ઓફ એડનને જોડતો દરયાઈ માર્ગ યમનના દરિયા કિનારા પાસેથી પસાર થાય છે. માટે યમનનું ભૌગોલિક મહત્વ બંને દેશો માટે મહત્વનું છે.






