નવું વર્ષ શરૂ થવાની સાથે દેશના નાગરિકોને મોંઘવારીની ભેટ પણ મળી ગઈ છે. આજથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, 14 કિગ્રાના ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
1 જાન્યુઆરીથી લાગુ થતા નવા વધારા મુજબ, હવે દિલ્હીમાં 1580.50 રૂપિયામાં મળતો 19 કિગ્રાનો કોમર્શિયલ સિલિન્ડર હવે 1691.50 રૂપિયામાં મળશે. કોલકાતામાં 1684 રૂપિયામાં મળતો કોમર્શિયલ સિલિન્ડર હવે 1785 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં 1531.50 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 1642 રૂપિયામાં મળશે. ચેન્નઈમાં 1739 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 1849.50 રૂપિયામાં મળશે.
ગયા વર્ષે 1 ડિસેમ્બર 2025ના રોજ 19 કિગ્રાવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હી, કોલકાતામાં 10 રૂપિયા તથા મુંબઈ અને ચેન્નઈમાં 11 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે નવા વર્ષે થયેલો વધારો નાગરિકોનું બજેટ ખોરવી શકે છે.
ગુજરાતમાં એસટીના ભાડામાં પણ વધારો

ગુજરાત એસટીના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષથી નવા ભાવ વધારાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારાના કારણે 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડવાનો છે. ગુજરાત એસીટી વિભાગની દૈનિક 8000થી વધુ બસો રોજનું 32 લાખ કિમીનું અંતર કાપે છે, જેમાં દૈનિક હવે 27 લાખ મુસાફરોને આ ભાવ વધારાની અસર થવાની છે. 9 કિમી સુધીની મુસાફરીમાં કોઈ ભાવ વધારો નથી કરાયો.






