અમેરિકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાથી લાપતા થયેલ 27 વર્ષીય ભારતીય યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. 26 વર્ષનો પ્રેમી પ્રેમિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવીને ભારત ભાગી આવ્યો હતો. પોલીસ મુજબ, મેરિલેન્ડના એલિસોટ સિટીમાં રહેતી નિકિતા ગોદિશાલા તેના પૂર્વ પ્રેમી અર્જુન શર્માને એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી હતી. તેના શરીર પર ચપ્પુના ઘા માર્યાના નિશાન હતા. નિકિતા ડેટા અને સ્ટ્રેટેજી એનાલિસ્ટ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, યુવતીના પૂર્વ પ્રેમી અર્જુન શર્માએ તેની હત્ય કરી હતી. આ મામલે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
અધિકારીઓ મુજબ, પ્રેમી અર્જુન શર્માએ 2 જાન્યુઆરીના રોજ પોલીસમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે, ગોદિશાલાને 31 ડિસેમ્બરે મેરીલેન્ડ શહેરમાં તેમના એપાર્ટમેન્ટમાં જોઈ હતી. 3 જાન્યુઆરીએ પોલીસે અર્જુન શર્માના એપાર્ટમેન્ટમાં સર્ચ વોરંટ આધારે દરોડો પાડ્યો ત્યારે તેણી મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર ચપ્પુના અસંખ્ય ઘા હતા.પોલીસે જણાવ્યું કે, ગોદિશાલાના લાપતા થયાની સૂચના આપ્યા બાદ અર્જુન શર્મા તે દિવસે જ ભારત ભાગી આવ્યો હતો. અર્જુને 31 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યા બાદ ગમે તે સમયે તેની હત્યા કરી હતી. હાલ હત્યાનું કારણ સામે આવ્યું નથી. હાવર્ડ કાઉન્ટી પોલીસ મુજબ, હત્યાના આરોપી પૂર્વ પ્રેમીની ભાળ મેળવવા અને ધરપકડ માટે એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.
ભારતીય દૂતાવાસે કહ્યું કે, તેઓ નિકિતા ગોદિશાલાના પરિવાર સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય કરી રહ્યા છીએ. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે પણ આ મામલા પર નજર રાખી રહ્યું છે.





