મધ્યમ વર્ગ માટે 2026નું વર્ષ થોડી રાહત આપનારું સાબિત થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
એસબીઆઈ રીસર્ચના એક વિશ્લેષણ અનુસાર, વર્ષ 2026માં ક્રુડ ઓઈલની કિમંતમાં ધરખમ ઘટાડો
થવાનાં એંધાણ છે. જૂન સુધીમાં તે 50 ડોલર સુધીની સપાટીએ પંહોચી શકે છે. જો અહેવાલનો દાવો
સાચો ઠરે છે તો આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 61.76
ડોલર અને WTI ક્રૂડ 58.29 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.
અહેવાલ મુજબ અંદાજ છે કે વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બ્રેન્ટ ક્રૂડની સરેરાશ કિંમત 55
ડોલર રહી શકે છે, જેનું મુખ્ય કારણ તેલના ભંડારમાં થતો વધારો છે. SBI ગ્રુપના મુખ્ય આર્થિક
સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષના જણાવ્યા અનુસાર, બ્રેન્ટ ક્રૂડ અને ઇન્ડિયન બાસ્કેટની કિંમતો વચ્ચે ગાઢ
સંબંધ હોવાથી આંતરરાષ્ટ્રીય ઘટાડાની સીધી અસર ભારતીય બજાર પર પડશે. આ ઘટાડાથી દેશના
આર્થિક વિકાસને વેગ મળશે અને મોંઘવારી દર અંકુશમાં લેવામાં મદદ મળશે.
ટેકનિકલ વિશ્લેષણના આધારે રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય કાચા તેલની વર્તમાન કિંમતો 50 અને
200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ચાલી રહી છે. આ સંકેત આપે છે કે ભવિષ્યમાં કિંમતો 62.20
ડોલરના વર્તમાન સ્તરથી પણ નીચે જઈ શકે છે. તેલના ભાવમાં ઘટાડો થવાથી પરિવહન ખર્ચ ઘટશે,
જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પણ જોવા મળી શકે છે.
હાલના આંકડાઓ પર નજર કરીએ તો, પોર્ટ બ્લેર (અંદામાન અને નિકોબાર) માં પેટ્રોલ ₹82.46 અને
ડીઝલ ₹78.05 પ્રતિ લિટર સાથે દેશમાં સૌથી સસ્તું મળી રહ્યું છે. આ ઉપરાંત ઈટાનગર, સેલવાસ,
દમણ અને ઉત્તરાખંડના હરિદ્વાર તથા દહેરાદૂન જેવા શહેરોમાં પણ પેટ્રોલ ₹91 થી ₹94 ની રેન્જમાં
ઉપલબ્ધ છે. ડીઝલની વાત કરીએ તો જમ્મુ, ચંદીગઢ અને કઠુઆ જેવા શહેરોમાં પણ કિંમતો અન્ય
રાજ્યોની સરખામણીએ ઘણી ઓછી છે. જો ક્રૂડ ઓઈલ 50 ડોલર સુધી પહોંચશે, તો આ ભાવમાં વધુ
ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે.






