બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તણાવ સતત વધી રહ્યો છે. ભીડ દ્વારા લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસાના કેસ
વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બે હિન્દુ યુવકોની હત્યાના કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં નરસિંદી
જિલ્લામાં એક વેપારીની હત્યા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસમાં હિન્દુની હત્યાનો આ છઠ્ઠો કેસ
છે. જે બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતીને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે.
5 જાન્યુઆરીએ રાત્રિના 10 વાગ્યા બાદ હિન્દુ વેપારી મોની ચક્રવર્તી પર અજ્ઞાત હુમલાખોરોએ ધારદાર
હથિયારોથી હુમલો કર્યો. ઈજાગ્રસ્ત મોનીને હોસ્પિટલ લઈ જવાયો. પણ સારવાર દરમિયાન તેણે જીવ
ગુમાવ્યો. ગઇકાલે જ બાંગ્લાદેશમાં હિન્દુ પત્રકાર રાણા પ્રતાપ વૈરાગીની પણ ગોળી મારીને હત્યા
કરવામાં આવી હતી. જશોર જિલ્લામાં મનીરામપુર વિસ્તારમાં સોમવારે સાંજે બાઈક સવાર હુમલાખોરો
રાણા પ્રતાપ વૈરાગીને ગોળી મારીને ફરાર થઈ ગયા.
બાંગ્લાદેશમાં 6 હિન્દુઓની હત્યા થઈ ચૂકી છે. જેમાં મોની અને રાણા પ્રતાપ સિવાય દીપુ દાસ, અમૃત
મંડલ, બજેન્દ્ર વિશ્વાસ, ખોકન દાસ સામેલ છે. દીપુ દાસ પર ઈશનિંદાના આરોપમાં ભીડે હુમલો કર્યો
હતો અને હત્યા બાદ તેના દેહને વૃક્ષ પર લટકાવી પેટ્રોલથી આગ લગાવી દેવાઈ હતી. હિન્દુઓ પર
સતત વધી રહેલી હિંસા બાદ લઘુમતીઓમાં ભયનો માહોલ છે. આ તમામ કેસમાં કોઈ મોટી ધરપકડની
હજુ સુધી પુષ્ટિ થઈ નથી.





