રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના ૫ આંચકા અનુભવાતા
સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આજે વહેલી સવારે 3.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકો
ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું
એપિસેન્ટર ઉપલેટાથી ૨૮ કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર,
પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં
કંપન અનુભવાયું હતું. આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રૂજી હતી. ઉપલેટામાં પહેલો આંચકો
ગુરુવાર રાત્રે 8:44 વાગ્યે 3.3ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો. જ્યારે ત્રીજો
અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે 6:19 અને 6:58 વાગ્યે 3.8ની તીવ્રતાનો અનુભવાયો હતો.
જ્યારે ધોરાજીમાં 7:01 વાગ્યે ભૂંકપ અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા.
સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.






