વૈશ્વિક તણાવ અને સલામત માંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે. ચાંદી પહેલીવાર પ્રતિ કિલો રૂ.૦૩ લાખને વટાવી ગઈ છે, જ્યારે સોનાએ પણ નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું.
સોના અને ચાંદીના ભાવ ઘટવા અંગેની બધી આગાહીઓ ખોટી સાબિત થઈ રહી છે. બંને કિંમતી ધાતુઓ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો, અને એક કિલો ચાંદીનો ભાવ પહેલી વખત રૂ.ત્રણ લાખને વટાવી ગયો હતો.
એમસીએક્સ પર માર્ચ મહિનામાં ચાંદીના વાયદા રૂ.૧૩,૫૫૦ અથવા ૫ ટકાથી થી વધુ વધીને રૂ. ૩,૦૧,૩૧૫ પ્રતિ કિલોના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર જોવા મળ્યો હતો. સોનાનો ભાવ પણ વધારા સાથે નવી ટોચ પર પહોંચ્યો હતો.
ગત વર્ષમાં મજબૂત તેજી પછી ચાંદીએ પણ ચાલુ વર્ષની શરૂઆત રેકોર્ડ બ્રેકિંગ ગતિ સાથે કરી છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ. ૬૫,૬૧૪ વધ્યા છે. ૩૧ ડિસેમ્બરના રોજ, એક કિલો ચાંદીનો ભાવ રૂ. ૨,૩૫,૭૦૧ હતો, અને હવે તે રૂ. ૩,૦૧,૩૧૫ પ્રતિ કિલોના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે.
સોનાના ભાવમાં પણ આટલો જ તીવ્ર વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ ફેબ્રુઆરી ફ્યુચર્સ સોનું ગયા શુક્રવારે રૂ.૧,૪૨,૫૧૭ પ્રતિ ૧૯ ગ્રામ પર બંધ થયું હતું, પરંતુ આજે ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સોનાનો ભાવ રૂ.૧,૪૫,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામના નવા રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે.એક જ સત્રમાં સોનાના ભાવમાં અંદાજે રૂ.૨૯૮૩ નો વધારો થયો છે.
વર્ષની શરૂઆતથી અત્યાર સુધીના ડેટા પર નજર કરીએ તો, ૩૧ ડિસેમ્બરના રોજ ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૧,૩૫,૮૦૪ હતો જે વર્તમાન સ્તરે વધીને પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૯૬૯૬ નો વધારો થયો છે.
બજાર નિષ્ણાતો કહે છે કે ગ્રીનલેન્ડ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીએ વૈશ્વિક ભૂ-રાજકીય તણાવમાં વધારો કર્યો છે. આ અનિશ્ચિત વાતાવરણમાં, રોકાણકારો સલામત-આશ્રય વિકલ્પો તરફ વળ્યા છે, જેનો સીધો ફાયદો સોના અને ચાંદીના ભાવને થઈ રહ્યો છે.





