અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના બની છે. આ વખતે રોડ આઇલેન્ડમાં યોજાયેલી એક યુવા આઇસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયું હતું જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ હુમલાખોરે પણ પોતાની જાતને ગોળી મારી ને આપઘાત કરી લીધો હતો.
પોટકેટ પોલીસ વડા ટીના ગોન્કાલ્વેસે મીડિયાને માહિતી આપી હતી કે, અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શૂટરનું મૃત્યુ ખુદને મારેલી ગોળીથી થયું છે. જોકે આ અથડામણમાં પોલીસ તરફથી કોઈ ગોળીબાર થયો નહોતો, તેમ છતાં અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.
આ ‘ટાર્ગેટેડ’ હુમલામાં બે પુખ્ત વયના લોકોના મોત થયા છે અને ત્રણ ગંભીર ઘાયલ છે, જ્યારે શૂટરે પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કૌટુંબિક વિવાદ હોવાની આશંકા છે. હાલ પોલીસ પ્રોવિડન્સના ‘ડેનિસ એમ. લિન્ચ એરેના’ ખાતે સાક્ષીઓના નિવેદનો અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી આ આખી ઘટનાની કડીઓ જોડી શકાય.
વાઇરલ વીડિયોમાં ગોળીબારના અવાજ વચ્ચે ખેલાડીઓ અને પ્રેક્ષકો જીવ બચાવવા ભાગતા દેખાય છે. મેદાનની બહાર હાઈસ્કૂલના ખેલાડીઓ એકબીજાને ભેટીને રડતા હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટના બાદ પોલીસે આસપાસના રસ્તાઓ બંધ કરી હેલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું હતું.
