અમદાવાદઃ ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ જીત્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 255 રન બનાવ્યા હતા
અને ન્યૂ ઝીલેન્ડને 159 રન પર ઓલઆઉટ કર્યું હતું. જીત સાથે ભારત ટી20 વર્લ્ડ કપ ત્રણ વખત
જીતનારી પ્રથમ ટીમ બની ગઈ હતી. ભારતીય ટીમે આ મહાજીત સાથે જ અમદાવાદના આ મેદાન પર
19 નવેમ્બર 2023ના રોજ વન ડે વર્લ્ડ કપમાં થયેલી હારને પણ ભૂલાવી હતી.આ મહામુકાબલા પહેલા
દરેકના મનમાં સવાલ હતો કે ભારત અહીંયા કેવી રીતે મુકાબલો જીતશે. તેની પાછળનું કારણ 2023ની
કડવી યાદો હતી. તે સમયે ટીમ ઈન્ડિયા વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું.
ભારત ટુર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વગર ફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ ખિતાબ જીતી શક્યું નહોતું.
ટી20 વર્લ્ડ કપમાં પણ ભારત એક મેચ હાર્યું હતું. તે મેચ પણ દક્ષિણ આફ્રિકા સામે આ મેદાન પર હતી.
તેથી ફેન્સના મનમાં આખરે ટીમ ઈન્ડિયા હારનું મેણું કેવી રીતે ભાંગશે તેને લઈ સવાલ હતો. પરંતુ
ભારતે ચેમ્પિયન બનીને કડવી યાદને ભૂલાવી દીધી હતી. જીતની સૌથી મોટી વાત ટીમ ઈન્ડિયાએ
અમદાવાદની પિચને સારી રીતે સમજી હતી અને તે મુજબ પ્લાનિંગ કર્યું હતું. ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને
પ્રથમ બોલિંગ લીધી હતી પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો પાડ્યો હતો. ભારતે 20
ઓવરમાં 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સંજુ
સેમસને ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 46 બોલમાં 89 રન બનાવ્યા અને ત્રીજી વખત સદીથી થોડો
દૂર રહ્યો હતો. આ ઉપરાંત ઈશાન કિશને 25 બોલમાં 54 રન, અભિષેક શર્માએ 21 બોલમાં 52 રન
બનાવ્યા હતા. શિવમ દુબે 8 બોલમાં 26 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. ભારતે સતત બીજી વખતે
આ ટુર્નામેન્ટમાં 250થી વધુ રન બનાવ્યા હતા. 256 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂ
ઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં હતી. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પરત ફરવાનો મોકો
જ મળ્યો નહોતો. નવમી ઓવર સુધીમાં ન્યૂ ઝીલેન્ડનો સ્કોર 5 વિકેટ પર 72 રન હતો અને ત્યાંથી જ
મેચનું પરિણામ નક્કી થઈ ગયું હતું. ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરીને 19 ઓવરમાં 159 રનમાં ન્યૂ
ઝીલેન્ડને ઓલઆઉટ કર્યું હતું. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

