મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગના આજે 13મા દિવસે સ્થિતિ વધુ સ્ફોટક બની છે. ઈરાને હવે
તેના હુમલાનો વ્યાપ વધારીને ખાડી દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે
ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.યુનિસેફ દ્વારા જારી કરવામાં આવેલા આઘાતજનક અહેવાલ મુજબ, 28
ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભીષણ સંઘર્ષમાં અત્યાર સુધી 1100થી
વધુ બાળકો ભોગ બન્યા છે, જેમાંથી એકલા ઈરાનમાં જ 200 બાળકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે
લેબનાનમાં 91, ઈઝરાયેલમાં 4 અને કુવૈતમાં 1 બાળકના મોતના અહેવાલ છે. સતત થઈ રહેલા
બોમ્બમારો અને વધતી જતી હિંસાને કારણે લાખો બાળકોએ શિક્ષણ ગુમાવ્યું છે અને સેંકડો પરિવારો
વિસ્થાપિત થયા છે, જેના પગલે યુનિસેફે ચેતવણી આપી છે કે, જો આંતરરાષ્ટ્રીય સમુદાય તાત્કાલિક
પગલાં નહીં લે તો આ આંકડો હજુ પણ ભયજનક રીતે વધી શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 13 મતો સાથે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં ઈરાનને
ખાડી દેશો (બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા) પર હુમલા રોકવા માટે તાકીદ કરવામાં
આવી છે. જોકે, ઈરાને આ પ્રસ્તાવને પક્ષપાતી ગણાવીને ફગાવી દીધો છે.
બહેરીનના મુહર્રક આઇલેન્ડ પર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ગુરુવારે સવારે ઈરાન દ્વારા મોટો
હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે એરપોર્ટ નજીક આવેલી તેલની ટાંકીઓમાં ભીષણ આગ
ફાટી નીકળી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટાંકીઓ એરપોર્ટ અને દેશના તેલ ઉદ્યોગ માટે
ફ્યુઅલ સ્ટોરેજ તરીકે વપરાતી હતી. આસપાસના લોકોને બારી-બારણાં બંધ રાખી ઘરમાં રહેવાની સલાહ
આપવામાં આવી છે.



