મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર
સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’
પર પોસ્ટ કરીને ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકાના
હુમલાની પુષ્ટિ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમના નિર્દેશ પર અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૌથી મહત્વના
વ્યૂહાત્મક વિસ્તાર એવા ખાર્ગ આઈલેન્ડ પર જોરદાર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં ટાપુ પર આવેલા
તમામ ઈરાની સૈન્ય ઠેકાણાઓને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, અમારા હથિયારો
દુનિયામાં સૌથી શક્તિશાળી અને અત્યાધુનિક છે. ઈરાન પાસે અમારી કાર્યવાહી સામે બચવાની કોઈ
ક્ષમતા નથી.ટ્રમ્પે જણાવ્યું કે, સંયમ જાળવીને તેમણે જાણીજોઈને ખાર્ગ આઈલેન્ડ પરના ઓઈલ
ટર્મિનલ્સ અને પાઈપલાઈનને નષ્ટ કરી નથી, જેથી વૈશ્વિક તેલ પુરવઠો તરત જ ન ખોરવાય. જોકે,
તેમણે કડક ચેતવણી આપી છે કે જો ઈરાન કે અન્ય કોઈ દેશ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને
રોકવાની કોશિશ કરશે, તો અમેરિકા તરત જ તેલના ઠેકાણાઓને પણ નષ્ટ કરતા ખચકાશે નહીં.ટ્રમ્પે
સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં. તેમણે ઈરાની
સેના અને ત્યાંની સરકારને સલાહ આપી છે કે, સમજદારી એમાં જ છે કે તમે હથિયાર નીચે મૂકી દો અને
દેશના જે પણ હિસ્સા બચ્યા છે તેને બચાવવાનો પ્રયાસ કરો, કારણ કે હવે તમારી પાસે વધુ કંઈ બચ્યું
નથી.


