યુએસ અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધુ ભીષણ બની રહ્યો છે. અહેવાલ મુજબ યુએસએ ઈરાન પર 2,000 પાઉન્ડ (907.1 કિલોગ્રામ) ના બંકર-બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. ઈરાનના ઇસ્ફહાનમાં આવેલા એક દારૂગોળાના ભંડાર પર આ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
યુએસ સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર, એક સ્પેશીયલ ઓપરેશનમાં પેનીટ્રેટર ઈમ્યુનીશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનના ઇસ્ફહાન શહેર પાસે આવેલા ભૂગર્ભ માળખાંને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. ઇસ્ફહાન ઈરાનનું એક મહત્વપૂર્ણ લશ્કરી કેન્દ્ર છે. અહેવાલ મુજબ આ જગ્યાએ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને લગતી સામગ્રી પણ રાખવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આ હુમલાના ફૂટેજ શેર કર્યા છે. વિડીયોમાં જોવા મળે છે રાતના સમયે એક પછી એક વિસ્ફોટો થયા છે. આકાશમાં ઉંચે સુધી આગની જ્વાળાઓ ઉઠતી દેખાય છે અને ધુમાડાના ગોટા નીકળે છે. ટ્રમ્પે વિડીયો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી, આ હુમલા અંગે કોઈ સંદર્ભ આપ્યો ન હતો.અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલો ઇસ્ફહાન શહેર પાસે કરવામાં આવેલા હુમલાના ફૂટેજ છે.
ઇસ્ફહાન શહેરમાં 23 લાખ લોકો વસે છે. તાજેતરમાં એવા અહેવાલો પ્રકશિત થયા હતાં, જેમાં જણાવવામાં આવ્યું કે ઇરાને એનરીચ્ડ યુરેનિયમનો 540 કિલોગ્રામ જેટલો જથ્થો ઇસ્ફહાન પાસે આવેલી ભૂગર્ભ ફેસીલીટીમાં ખસેડ્યો હોઈ શકે છે.
બંકર-બસ્ટર બોમ્બને ભૂગર્ભ લશ્કરી મથકો, બંકરો અને પરમાણુ સ્થળોને નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. જે જમીનના મોટા પડને વીંધીને ભૂગર્ભમાં છુપાયેલા મથકોને બરબાદ કરી શકે છે.
યુએસ પાસે સૌથી શક્તિશાળી બંકર-બસ્ટર બોમ્બ મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર છે, જેનો વજન 30,000 પાઉન્ડ છે, આ બોમ્બ બોઇંગ દ્વારા વિકસાવવામાં આવ્યો છે.





