વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય ખેંચતાણ અને તેલના પુરવઠામાં અવરોધની સીધી અસર
હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. 1 એપ્રિલ 2026થી દેશમાં ઈંધણના ભાવમાં મોટો ફેરફાર
કરવામાં આવ્યો છે, જેણે આર્થિક ક્ષેત્રે ચિંતા જગાવી છે. ખાસ કરીને વ્યાપારી વપરાશ માટેના ગેસ અને
વિમાની ઇંધણ ના ભાવમાં થયેલો રેકોર્ડબ્રેક વધારો સૂચવે છે કે આગામી દિવસોમાં ખાવા-પીવાથી લઈને
મુસાફરી સુધીની તમામ સેવાઓ મોંઘી થઈ શકે છે. જોકે, આ સંકટ વચ્ચે હાલ પૂરતું ઘરેલું રાંધણ
ગેસના ગ્રાહકોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
નવા નાણાકીય વર્ષના પ્રારંભે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં રૂ.218
સુધીનો જંગી વધારો ઝીંક્યો છે. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે રૂ.2,078.50 પર પહોંચી
ગઈ છે. કોલકાતામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે, જ્યાં ભાવ 2,208 થઈ ગયા છે. મુંબઈમાં પણ
196 ના વધારા સાથે નવો ભાવ 2,031 અને ચેન્નાઈમાં 2,246.50 નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય
છે કે માર્ચ મહિનામાં બે વાર ભાવ વધ્યા બાદ આ સતત ત્રીજો મોટો વધારો છે, જે વેપારીઓ માટે
પડકારજનક સાબિત થશે.
સામાન્ય જનતાની સાથે હવે વિમાની મુસાફરી કરનારાઓ માટે પણ ખરાબ સમાચાર છે. આંતરરાષ્ટ્રીય
સ્તરે કાચા તેલના ભાવમાં અંદાજે 50% નો ઉછાળો આવતા એર ટર્બાઈન ફ્યુઅલની કિંમતોમાં
ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ એટીએફ ના ભાવમાં 1,10,703.08/KL
નો ધરખમ વધારો કર્યો છે. દિલ્હીમાં હવે વિમાની ઇંધણનો ભાવ 2,07,341.22 પ્રતિ કિલોલીટર થયો છે.
આ વધારાને કારણે એરલાઈન્સ કંપનીઓ પર ખર્ચનું ભારણ વધશે, જેનો સીધો બોજ પેસેન્જર ટિકિટના
ભાવમાં વધારા સ્વરૂપે ગ્રાહકો પર આવી શકે છે.માત્ર મોટા સિલિન્ડર જ નહીં, પણ ગરીબ અને મધ્યમ
વર્ગ દ્વારા વપરાતા 5 કિલોના ‘છોટુ’ એફટીએલ સિલિન્ડરના ભાવમાં પણ 51નો વધારો થયો છે, જે હવે
549માં મળશે. આ ભાવવધારાની સૌથી વધુ અસર હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ સર્વિસ અને રોડસાઈડ
ઢાબા ચલાવતા નાના વેપારીઓ પર પડશે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ
સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં તે હજુ પણ 913 અને મુંબઈમાં 912.50
ના ભાવે ઉપલબ્ધ છે.
નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં વધી રહેલો સંઘર્ષ અને સપ્લાય ચેઈનમાં આવતા અવરોધો આ
મોંઘવારી પાછળના મુખ્ય કારણો છે. જો આંતરરાષ્ટ્રીય તણાવ ઓછો નહીં થાય, તો આગામી સમયમાં
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ પર પણ દબાણ વધી શકે છે. હાલના તબક્કે સામાન્ય માણસના રસોડાનું
બજેટ જળવાયેલું છે, પરંતુ બહાર જમવું અને વિમાનમાં મુસાફરી કરવી હવે ખિસ્સા પર ભારે પડી શકે
છે. આ આર્થિક સ્થિતિ ભારતીય અર્થતંત્ર માટે આવનારા સમયમાં કપરા ચઢાણના સંકેત આપી રહી છે.



