કોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની ડો. નવજોત કૌર સિદ્ધુએ પોતાની
નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરીને ભાજપમાં જોડાવાની અટકળો પર વિરામ મૂકી દીધો છે. તેમણે
સોમવારે સોશિયલ મીડિયાના માધ્યમથી ‘ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી’ નામના નવા સંગઠનની જાહેરાત
કરી છે. પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણીના એક વર્ષ પહેલા કરવામાં આવેલી આ જાહેરાત
રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે તેમ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પાર્ટી
રાષ્ટ્રીય સ્તરે એક નવા અને મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે.
પોતાના વિઝન અંગે વાત કરતા નવજોત કૌરે જણાવ્યું હતું કે, સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે
મળીને આ નવો વિકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ દેશ માટે જીવન સમર્પિત કરવાનો
અને લોકોને જે ન્યાય અને શાંતિની અપેક્ષા છે તે પરત અપાવવાનો છે. તેમણે આ પહેલને ઈશ્વરીય
હસ્તક્ષેપ ગણાવતા કહ્યું હતું કે, ઉચ્ચ ચેતના (Higher Consciousness) અને વાહેગુરુના
આશીર્વાદથી પ્રેમ અને ન્યાય પ્રદાન કરવાનું અમારું લક્ષ્ય છે. આ પાર્ટી દરેક રાજ્યમાં કામ કરવાની
ક્ષમતા અને આત્મવિશ્વાસ ધરાવે છે.પક્ષના ભાવિ કાર્યક્રમો વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, તેમનું
પ્રાથમિક લક્ષ્ય પંજાબને તેના ખોવાયેલા ગૌરવ સાથે ફરી એકવાર ‘ગોલ્ડન સ્ટેટ’ બનાવવાનું છે.
પંજાબમાં એક એવી સરકારની સ્થાપના કરવામાં આવશે જે લોકોની, લોકો માટે અને લોકો દ્વારા
ચલાવવામાં આવશે, જ્યાં નિઃસ્વાર્થ સેવા અને આધ્યાત્મિક વિકાસને પ્રાધાન્ય મળશે. નવજોત કૌરના
મતે આ રાજ્યમાં લોકો કોઈપણ બાહ્ય દખલ વગર ન્યાય, સ્વતંત્રતા અને પ્રેમ સાથે જીવી શકશે અને
પંજાબ ફરી પોતાની જૂની શાન પ્રાપ્ત કરશે.
