રાજ્યમાં વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતનો ગ્રાફ પણ ઊંચકાયો છે. રાજ્યના કોઈને કોઈ
ખૂણામાં દરરોજ હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે. રાજ્યમાં હિટ એન્ડ રનની વધતી ઘટના
માર્ગ સલામતી માટે એક મોટી ચિંતા તરીકે ઉભરી આવ્યા છે. 2020 થી 2024 દરમિયાન રાજ્યમાં કુલ
9597 બનાવો નોંધાયા છે. લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં
આવેલા આંકડા મુજબ રાજ્યમાં આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વાર્ષિક
સરેરાશ 1800 થી વધુ ઘટનાઓ બને છે, અર્થાત્ રોજની સરેરાશ 5 ઘટના બને છે.
2020માં હિટ એન્ડ રનના 1552 કેસ નોંધાયા હતા. 2021માં આ સંખ્યા વધીને 1720 પર પહોંચી હતી.
2022માં 2208 કેસ નોંધાયા હતા. 2023માં હિટ એન્ડ રનના 2214 કેસ નોંધાયા હતા, જ્યારે 2024માં
હિટ એન્ડ રનના કેસમાં ઘટાડો થયો હતો અને માત્ર 1902 કેસ નોંધાયા હતા.
આશરે 7.22 કરોડની અંદાજિત વસ્તી ધરાવતા આ રાજ્યમાં વાહનોની માલિકીમાં તીવ્ર ઉછાળો જોવા
મળ્યો છે. રાજ્યમાં કુલ નોંધાયેલા વાહનોની સંખ્યા—પરિવહન અને બિન-પરિવહન બંને—લગભગ
3.5કરોડ સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ઉછાળાએ ટ્રાફિક જામ અને અકસ્માતોના
જોખમમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
અદ્યતન સત્તાવાર ડેટાના અભાવે પણ ચિંતા જન્માવી છે. ગુજરાત ટ્રાન્સપોર્ટ કમિશનરેટની વેબસાઈટ
કથિત રીતે માત્ર 2018-19 સુધીના વાહનોના આંકડા પૂરા પાડે છે. કોવિડ પછીના સમયગાળામાં કોઈ
અપડેટ કરવામાં આવ્યું નથી.
હિટ-એન્ડ-રનની ઘટનાઓમાં ગુજરાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11મા ક્રમે છે. જોકે, કેરળ અને
દિલ્હી જેવા અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં આ આંકડો હજુ પણ ઘણો વધારે છે, જે ટ્રાફિક
નિયમન અને અમલીકરણ તંત્રની અસરકારકતા સામે પ્રશ્નો ઉભા કરે છે.
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2026માં ગુજરાતના પેસેન્જર વ્હીકલ માર્કેટમાં 11% થી વધુનો ઉછાળો
જોવા મળ્યો હતો. જોકે, આ વૃદ્ધિ ક્લીન મોબિલિટી તરફના સંપૂર્ણ ઝુકાવને બદલે વિવિધ પ્રકારના
ઈંધણના વિકલ્પો પર વધુ આધારિત રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના
તાજેતરના રજિસ્ટ્રેશન ડેટા મુજબ, કારનું કુલ વેચાણ નાણાકીય વર્ષ 2025માં 3.47 લાખ યુનિટથી
વધીને નાણાકીય વર્ષ 2026માં 3.86 લાખ યુનિટ થયું હતું.


