ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી રહેલું પાકિસ્તાન અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે.
લેબેનોન પર ઇઝરાયલના હુમલા બાદ પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફની ટિપ્પણીએ નવો વિવાદ
છેડ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને
ચેતવણી આપી છે કે ઇઝરાયલ વિરુદ્ધ આવા નિવેદનો સહન કરવામાં આવશે નહીં.
પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇઝરાયલ વિરુદ્ધ ઝેર ઓકતા તેને
“માનવતા માટે અભિશાપ” અને “કેન્સર જેવો દેશ” ગણાવ્યો હતો. તેમણે લેબનોનમાં થઈ રહેલા
હુમલાઓને ‘નરસંહાર’ ગણાવતા કહ્યું કે, “જ્યારે ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી
છે, ત્યારે નિર્દોષ નાગરિકોને મારવામાં આવી રહ્યા છે. જે લોકોએ પેલેસ્ટાઇનની જમીન પર આ દેશ
બનાવ્યો છે, તેઓ નર્કમાં બળે.”ખ્વાજા આસિફના આ નિવેદન બાદ ઇઝરાયલી પીએમઓ એ પ્રતિક્રિયા
આપતા કહ્યું કે, ઇઝરાયલના વિનાશની અપીલ અત્યંત વાંધાજનક છે. પીએમઓએ ઉમેર્યું કે, “કોઈપણ
સરકાર આવું નિવેદન સહન કરી શકે નહીં, ખાસ કરીને એવા દેશ તરફથી જે પોતે શાંતિ માટે ‘નિષ્પક્ષ
મધ્યસ્થી’ હોવાનો દાવો કરતું હોય.” ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદઓન સારે આ નિવેદનને યહૂદી
વિરોધી ગણાવીને પાકિસ્તાનની આકરી ટીકા કરી છે.
એકબાજુ 11 એપ્રિલે પાકિસ્તાનમાં મહત્વની બેઠક યોજાવાની છે, ત્યારે બીજી તરફ લેબનોનમાં
ઇઝરાયલના હુમલામાં 300 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈરાને ચેતવણી આપી છે કે
આ હુમલાઓને કારણે શાંતિ વાટાઘાટોનો કોઈ અર્થ રહેતો નથી. જોકે, નેતન્યાહુએ સંકેત આપ્યા છે કે
ઇઝરાયલ લેબનોન સાથે સીધી શાંતિ વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે, પરંતુ સુરક્ષા સાથે કોઈ સમાધાન
કરવામાં આવશે નહીં.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ ફરી એકવાર પોતાની ટિપ્પણીને કારણે વિવાદમાં ફસાયા
છે. ઇઝરાયલ વિશે આકરી ટિપ્પણીઓ કર્યા બાદ, તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી
દીધી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ખ્વાજા આસિફે
અગાઉ ઇઝરાયલની ટીકા કરી હતી, તેને માનવતા માટે અભિશાપ ગણાવ્યો હતો અને “નરકમાં બળી
જાઓ” જેવી કઠોર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે તીવ્ર પ્રતિક્રિયાઓ
થઈ હતી અને વિવાદ સર્જાયો હતો. આ મુદ્દો વધ્યા પછી, તેમણે ટ્વિટર પરથી પોતાની પોસ્ટ ડિલીટ
કરી દીધી હતી. જોકે, પાકિસ્તાન સરકાર કે તેમના કાર્યાલય દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા જારી કરવામાં
આવી નથી. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં
જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનું ઇઝરાયલના વિનાશ માટેનું આહ્વાન ખૂબ
જ વાંધાજનક અને અસ્વીકાર્ય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ એક એવું નિવેદન છે જે કોઈપણ
સરકાર દ્વારા સહન કરી શકાતું નથી, ખાસ કરીને જે શાંતિના સમર્થક હોવાનો દાવો કરે છે.


