દિલ્હી-આગ્રા વચ્ચે વંદે ભારતના ટ્રાયલ બાદ આજે અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરાયું. 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનનું આજે અમદાવાદથી ટ્રાયલ કરાયું. નોંધનીય છે કે આ ટ્રેનનું ટ્રાયલ રન તારીખ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ યોજાવાનું હતું પરંતુ આ ટ્રેન કોટાથી દિલ્હી પરત ફરી હતી કે જ્યાં તેનું દિલ્હી અને આગ્રા વચ્ચે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલા માટે તેનું ટ્રાયલ રન આજે કરવામાં આવ્યું.
અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન બાદ સેમી હાઇ સ્પીડ ટ્રેનનું આજે ટ્રાયલ રન કરાયું છે ત્યારે હવે નવરાત્રીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. તમને જણાવી દઇએ કે, 1128 પેસેન્જરની ક્ષમતાવાળી ટ્રેનમાં મુંબઇનું ભાડું 3500 રુપિયા રહેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ, ચંદીગઢના સોનાવલમાં તેની ઓસિલેશન ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા બાદ કોટા ડિવિઝનમાં કુલ 6 અલગ-અલગ સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં તેના તમામ ટ્રાયલ અપેક્ષા મુજબ સાચા હોવાનું જણાયું હતું. તેની સાથે પશ્ચિમ મધ્ય રેલવેના કોટા-નાગદા-સવાઈ માધોપુર વિભાગ પર ટ્રાયલ કર્યા બાદ તેને 180-170ની ઝડપે ચલાવવામાં આવી હતી.