ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનએ ઓનલાઈન દવા વેચાણ સામે 24 કલાકની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. સંગઠને સરકારને તાત્કાલિક ઓનલાઈન દવા વેચાણ બંધ કરાવવાની માંગ કરી છે. આ હડતાળના ભાગ રૂપે આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. જોકે, ઇમરજન્સી સેવાઓ માટે દવાઓ પૂરી પાડવામાં આવી હતી.
દેશભરના અંદાજે ૧૫ લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ 24 કલાક બંધમાં જોડાયા હતા. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશન એ 20 મે, 2026 ના રોજ 24 કલાકની દેશવ્યાપી દવા વેચાણ હડતાળનું એલાન કર્યું છે, જેમાં ઓનલાઈન દવા વેચાણની કાયદેસરતા અને નિયમો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સંગઠન જણાવે છે કે, ઓનલાઈન દવા વેચાણ હાલમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને તેમણે સરકારને સંબંધિત સૂચનાઓ રદ કરવા અને એક નવું નિયમનકારી માળખું બનાવવાની માંગ કરી છે.
રાષ્ટ્રીય પ્રમુખ જેએસ શિંદેએ જણાવ્યું હતું કે, તાજેતરમાં શરૂ કરાયેલ ઓનલાઈન દવા વેચાણ નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમણે ખાસ કરીને જીએસઆર 817 સૂચનાનો ઉલ્લેખ કર્યો હતો, જેની તેમણે અને સંગઠને અગાઉ ગેરવાજબી ટીકા કરી હતી. શિંદેના મતે, ઓનલાઈન દવા વેચાણ માફિયાઓને જન્મ આપી શકે છે અને મજબૂત આઇટી માળખાની જરૂર છે, જેનો અભાવ છે.
કેમિસ્ટ એસોસિએશનની માંગણી
જીએસઆર 817 નોટિફિકેશન રદ કરવું: ઓનલાઇન દવાઓના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલી આઇટી સંબંધી નોટિફિકેશન (GSR 817) તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવેસરથી આખું માળખું તૈયાર થાય.
કોરોના કાળના નિયમોનો અંત: મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટિફિકેશન (જેમ કે જીએસઆર 220)ને સરકાર સંપૂર્ણપણે પાછી ખેંચે.
ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક: ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.






