પીએમ મોદી પોતાના પાંચ દેશોના મહત્ત્વના યુરોપીય પ્રવાસના અંતિમ ચરણમાં મંગળવાર સાંજે ઇટાલી પહોંચી ગયા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇટાલીના વડાંપ્રધાન જૉર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર યોજાયેલો આ પ્રવાસ બંને દેશોની વ્યૂહનીતિ અને કૂટનીતિક સંબંધો માટે અત્યંત ખાસ છે, પીએમ મોદીની આ પ્રથમ સત્તાવાર ઇટાલીની દ્વિપક્ષીય યાત્રા છે. રોમ પહોંચતાની સાથે જ પીએમ જૉર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે એક શાનદાર સેલ્ફી શેર કરી હતી. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘રોમમાં તમારું સ્વાગત છે, મારા મિત્ર!’ અને જોતજોતામાં આ તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ છે.આ પહેલાં વર્ષ 2023માં દુબઈમાં યોજાયેલી સીઓપી 28 સમિટ દરમિયાન મેલોનીની ‘Good friends at COP28’ વાળી સેલ્ફી અને ત્યારબાદ વર્ષ 2024માં ઇટાલીના અપુલિયામાં આયોજિત જી7 શિખર સંમેલન દરમિયાન ‘મેલોડી ટીમ તરફથી હેલો’ વાળા વીડિયોએ વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવી હતી. આ વખતે ઇટાલીમાં હોટેલ પહોંચવા પર પ્રવાસી ભારતીય સમુદાયના લોકોએ પણ પીએમ મોદીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું, જ્યારે આ અગાઉ વડાપ્રધાનને વારાણસીના ઘાટ દર્શાવતી એક સુંદર પેઇન્ટિંગ ભેટમાં આપવામાં આવી હતી.વ્યૂહનીતિ અને કૂટનીતિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વના ગણાતા આ પ્રવાસ દરમિયાન, પીએમ મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મટારેલા સાથે મુલાકાત કરશે અને પીએમ જૉર્જિયા મેલોની સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરશે. આ ઉપરાંત, તેઓ બંને દેશોના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધશે. વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવવા માટે તેઓ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન lના મુખ્ય મથકની પણ મુલાકાત લેવાના છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 પછી બંને વડાપ્રધાનો વચ્ચેની આ 8મી મુલાકાત છે, જે ભારત અને ઇટાલી વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધોની સ્પષ્ટ સાક્ષી પૂરે છે.






