મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામે રહેતા ભરતભાઇ બાબુભાઇ ડાભીએ મહુવા પો.સ્ટે.માં એવા મતલબની ફરિયાદ નોંધાવેલી કે, ઉમણીયાવદર ગામના કોંજળી રોડ ઉપર ખોડીયાર માતાની દેરી પાસે ખુલ્લી જગ્યામાં કોઇ અજાણ્યા નવજાત પુરૂષ જાતિના બાળકને તરછોડી ચાલ્યા ગયેલ બાદમાં તેનું મોત થયેલ જે અંગેની પોલીસ તપાસ બાદ સેંદરડા ગામના દંપતીનું નામ ખુલેલ અને તેની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ. આ કેસ મહુવા કોર્ટના પાંચમાં એડિશનલ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે દંપતીને કસુરવાર ઠેરવી બે-બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઉમણીયાવદર ગામે નવજાત બાળકને તરછોડી મોત નિપજાવવાના ગુનાનો કેસ મહુવાના પાંચમાં એડિશનલ સેસન્સ જજ એફ.એસ. પરીખની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રૂબીનાબેન ખલીયાણીની દલિલો અને ૨૪ દસ્તાવેજી પુરાવા તથા ૧૭ સાહેદોને સાંભળી અદાલતે મહુવા તાલુકાના સેંદરડા ગામના મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ માંડલીયા અને તેના પત્ની સહેનાજબેનને કસુરવાર ઠેરવી બે-બે વર્ષની સજા અને રૂા.બે હજારનો દંડ ફટકાર્યો હતો.