શહેરના ઘોઘારોડ ગૌશાળા પાછળ આવેલી લક્ષ્મીનગર શેરી નંબર-૦૨માં રહેતા અને છૂટક મજૂરી કરતા મનોજભાઈ દિલીપભાઈ ચૌહાણ ઉ.વ.૩૭ પર જૂની અદાવતમાં ચાર શખ્સોએ પાઇપ, ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર, ચાર મહિના પહેલા મનોજભાઈએ આરોપી લાલા છત્રીના માસીના દીકરા યશપાલ પાસે મોટરસાયકલ માંગ્યું હતું. જે તેણે ન આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતની દાઝ રાખી, ગત રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં જ્યારે મનોજભાઈ ગૌશાળાના ખેતરમાં એકલા બેસી મોબાઈલ જોતા હતા, ત્યારે ત્રણ બાઈક પર લાલો છત્રી, ડેગુ, હિતેશ ડાભી અને રાહુલ ડાભી ત્યાં ધસી આવ્યા હતા.
આરોપીઓએ “મારા ભાઈ યશપાલ સાથે કેમ માથાકૂટ કરેલી?” તેમ કહી ગાળો ભાંડી હુમલો કર્યો હતો. લાલા છત્રીએ લોખંડના પાઇપ વડે ડાબા પગે ફટકા માર્યા હતા, જ્યારે રાહુલે છરીના ઘા જમણા સાથળ અને કોણી પર ઝીંક્યા હતા. ડેગુ અને હિતેશે લાકડાના ધોકાથી બેફામ માર માર્યો હતો. હુમલામાં મનોજભાઈના ડાબા પગે બે અને જમણા પગે એક ફેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તના મિત્ર વિક્રમને આવતા જોઈ હુમલાખોરો “હવે પછી યશપાલનું નામ લીધું છે તો જીવતો નહીં મૂકીએ” તેવી ધમકી આપી નાસી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મનોજભાઈને પ્રથમ સર ટી. હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે પુનિત હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઝપાઝપીમાં ભોગ બનનારનો મોબાઈલ અને પાકીટ પણ ખોવાઈ ગયા હતા. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ ૧૧૮(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


