અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ નવી ડીલ પર મંજૂરી આપી દીધી છે. જોકે, ઈરાને અત્યાર સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.વ્હાઇટ હાઉસમાં એક રિપોર્ટર સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, ‘નવી ડીલ મુજબ ઈરાને મંજૂર કર્યું છે કે તે ક્યારેય પરમાણુ હથિયારો રાખશે નહીં અને ડીલ થતા જ હોર્મુઝ સ્ટ્રેટને પણ ખોલી દેવામાં આવશે.’આ પહેલા, ટ્રમ્પે ઈરાન પર શુક્રવારે ભીષણ બોમ્બમારો કરવા અને તેના તેલ નિકાસના મુખ્ય કેન્દ્ર ખાર્ગ દ્વીપ પર કબજો કરવાની ધમકી આપી હતી. આ પછી તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા અને બોમ્બમારો રદ કરી દીધા છે.
તેમણે નિર્ણય બદલવાનું કારણ ઈરાની નેતૃત્વ સાથેની વાતચીતને સૌથી ઊંચા સ્તરે પહોંચાડવાનું જણાવ્યું. જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી સમજૂતી સંપૂર્ણપણે નક્કી ન થઈ જાય, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકી નાકાબંધી લાગુ રહેશે. ભારતે અમેરિકી હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો: ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ ‘MT જલવીર’ પર થયેલા હુમલા બાદ ભારતે અમેરિકી રાજદૂતને તેડાવ્યા હતા અને જહાજો પરના હુમલા તાત્કાલિક રોકવાની માંગ કરી હતી.ઓમાન નજીક જહાજો પર થયેલા હુમલામાં ભારતીય નાવિકો પ્રભાવિત થયા છે. ‘MT સેત્તેબેલ્લો’ પર થયેલા હુમલામાં 3 ભારતીયોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ‘MT જલવીર’ પર હાજર તમામ 20 ભારતીયો સુરક્ષિત હોવાનું કહેવાય છે.
ઈરાને ચેતવણી આપી છે કે જો તેના તેલ-ગેસના ઠેકાણાઓ પર હુમલો થશે તો કોઈને પણ તેલ નહીં મળે. બીજી તરફ અમેરિકાએ દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ હજુ પણ જહાજોની અવરજવર માટે ખુલ્લું છે. અમેરિકા-ઈરાન વચ્ચે બેકચેનલ વાતચીત તેજ: રોયટર્સના અહેવાલ મુજબ, બંને દેશો ઈરાનના ફસાયેલા 6 થી 12 અબજ ડોલરના ફંડને મુક્ત કરવાના મુદ્દે વાતચીત કરી રહ્યા છે વધતા તણાવ વચ્ચે રશિયા અને ચીને અમેરિકા-ઈરાનને સૈન્ય કાર્યવાહી રોકીને વાતચીતનો રસ્તો અપનાવવાની અપીલ કરી છે, જ્યારે કતારે પણ તણાવ ઓછો કરવા માટે પોતાનું પ્રતિનિધિમંડળ તેહરાન મોકલ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય હુમલો ટાળવાના નિર્ણય બાદ વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 1.21 ડોલર એટલે કે 1.3% ઘટીને 89.17 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું. જ્યારે, અમેરિકી WTI ક્રૂડ 1.23 ડોલર એટલે કે 1.4% ઘટીને 86.48 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું.
ટ્રમ્પનો દાવો- આજે ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત કરી દીધું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ આજે ઇરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી દીધું છે. સિનેટ ઉમેદવાર બેરી મૂરના સમર્થનમાં આયોજિત એક ટેલિ-રેલીમાં ટ્રમ્પે કહ્યું, “ઇરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવવા પર સહમત થયું છે અને આપણે આ જ વાત પર અડગ હતા.” તેમણે આગળ જણાવ્યું, “આજે આપણે ઇરાન સાથેનો મામલો ઉકેલી લીધો છે. આપણે એક શાનદાર સમજૂતી કરી છે.” તેમણે દાવો કર્યો, “આ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આપણને તે બધું જ મળી ગયું છે જે આપણે ઈચ્છતા હતા.”
‘અમેરિકા સાથે કોઇ ડીલ ફાઇનલ નહીં’ટ્રમ્પના દાવાને ઇરાને ગણાવી અટકળો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથેની ડીલ (કરાર) અંગેના નિવેદનના થોડા જ કલાકોમાં ઈરાને તેને સંપૂર્ણપણે ફગાવી દીધું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘઈએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે કોઈ અંતિમ સમજૂતી થઈ નથી અને આવા અહેવાલો માત્ર અટકળો છે. આ ઉપરાંત, તેમણે તાજેતરમાં ભારતીય કોમર્શિયલ (વ્યાપારી) જહાજો પર થયેલા અમેરિકી હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અમેરિકાને જવાબદાર ઠેરવવા અપીલ કરી.
તેમણે અમેરિકા પર વારંવાર પોતાનું વલણ બદલવાનો આરોપ લગાવતા કહ્યું, ‘શાંતિ વાર્તા (વાતચીત)ની સ્થિતિ શરૂઆતથી જ અમારી સામે સ્પષ્ટ હતી. સમજૂતીનો મોટો ભાગ પહેલાથી જ તૈયાર થઈ ગયો હતો, પરંતુ અમેરિકા વારંવાર પોતાનું વલણ બદલતું રહ્યું છે. આ જ કારણે રાજદ્વારી પ્રક્રિયામાં સતત અવરોધ આવી રહ્યો છે.’
આ રાજદ્વારી વિવાદ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર અમેરિકા સામે અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય વાણિજ્યિક (કોમર્શિયલ) જહાજો પર તાજેતરમાં થયેલા ક્રૂર અમેરિકી હુમલા, જેમાં ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાગરિકો માર્યા ગયા છે, તે અમેરિકાની સશસ્ત્ર લૂંટફાટ અને રાજ્ય પ્રેરિત દરિયાઈ ચાંચિયાગીરીની સતત ચાલી આવતી નીતિનો એક સ્પષ્ટ અને જીવતો-જાગતો પુરાવો છે.

