દિલ્હી હાઇકોર્ટે મીડિયા વેબસાઇટ ‘ન્યૂઝક્લિક’ ( અને તેના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થને મોટી રાહત આપતા તેમની સામેના મની લોન્ડરિંગ અને આર્થિક ગુના શાખા (EOW)ના કેસો સંપૂર્ણપણે રદ કરી દીધા છે. ન્યાયાધીશ નીના બંસલ ક્રિશ્નની સિંગલ બેન્ચે આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી (ED) અને EOW ને આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે નોંધ્યું કે, આ મામલામાં ખોટી ફરિયાદો દાખલ કરીને સત્તાનો સ્પષ્ટ દુરુપયોગ કરવામાં આવ્યો છે અને નિષ્પક્ષ પત્રકારત્વને દબાવવાનો પ્રયાસ કરાયો છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયની ફરિયાદના આધારે એવો આરોપ હતો કે ન્યૂઝક્લિકે વર્ષ ૨૦૧૮-૧૯માં અમેરિકન કંપની પાસેથી મેળવેલા ₹૯.૫૯ કરોડના વિદેશી પ્રત્યક્ષ રોકાણમાં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, ન્યૂઝક્લિક તરફથી દલીલ કરવામાં આવી હતી કે તે સમયે ડિજિટલ ન્યૂઝ મીડિયામાં એફડીઆઇ પર કોઈ પ્રતિબંધ નહોતો, જે વાત ખુદ સરકારે પણ સ્વીકારી છે. હાઈકોર્ટે મીડિયા હાઉસની દલીલો માન્ય રાખતા જણાવ્યું કે, ભલે કર્મચારીઓને વધારે પગાર અપાયો હોય કે અન્ય ખર્ચ કરાયો હોય, તેને ગેરકાયદે ન ગણી શકાય. એજન્સીઓએ આ કેસમાં ખરાબ ઇરાદા સાથે કાર્યવાહી કરી હતી.


