સિહોરમાં નગરપાલિકા હેઠળ સમાવેશ વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ બાબતે વ્યાપક રાવ ઉઠવા પામી છે. નળમાંથી ડહોળું, દુર્ગંધ યુક્ત તેમજ લીલા પીળા કલરનું પાણી આવી રહ્યું છે. આ વિસ્તારમાં રહેતા નગરજનો આ પાણી જોઈ વિચારી રહ્યા છે કે આ પાણી કેમ પીવું ? સિહોરના લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે અને તંત્ર મૌન પ્રેક્ષક બનીને બધું જોઈ રહ્યું છે તેવું નગરજનોમાં ચર્ચાય રહ્યું છે.
સિહોરમાં વર્ષો પહેલાં ૧૪૬.૯૬ લાખના ખર્ચે ફીલ્ટર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હતો જે ક્ષતિગ્રસ્ત બનાવવામાં આવેલ છે પરંતુ આજદિન સુધી જૈસે થે હાલતમાં ફીલ્ટર પ્લાન્ટ છે જે ચાલું કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે તેવું લાગી રહ્યું છે. વર્ષો વીતી ગયા છતાં આજદિન સુધી હજી નગરપાલિકા નથી આ ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરાવી શકી કે નગરજોનો ને ચોખ્ખું પાણી વિતરણ કરી શકી નથી. વારંવાર સત્તાધિશો અને તંત્ર દ્વારા માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવે છે પણ પરિણામ આવતું નથી અને આજદિન સુધી નગરજનોને ના છૂટકે ફરજિયાત પણે ફીલ્ટર વગરનું પાણી પીવું પડે છે. સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી ડાયરેક્ટ પાણી વિતરણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સિહોરમાં વોર્ડ નંબર ૫ અને ૯ માં સમાવેશ સ્વસ્તિક સોસાયટી નંબર -૨, જગદીશશ્વરાનંદ, ગોપાલનગર, ગાયત્રીપાકૅ સોસાયટી, કૃષ્ણનગર, શિવપાકૅ સોસાયટી, દિપમાલા, નવદીપ સોસાયટી, ભગવતીનગર, શિવમ સીટી, સર્વોદય સોસાયટી, મેમણ કોલોની સહિતના આજુબાજુના વિસ્તારો ડહોળું પાણી વિતરણ કરવામાં આવે છે તેમજ લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. હવે સિહોરમાં રોડ પર જ્યાં ત્યાં કચરો,ઉકરડા, ગટરો ઉભરાઈ રહી છે અને પાણી વિતરણમાં પણ ધાંધીયા છે આઠ દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તે પણ ડહોળું અને દુર્ગંધયુક્ત. શું આવું ને આવું નગરજનોને ક્યાં સુધી સહન કરવું પડશે ? તંત્ર દ્વારા આ બાબતને ગંભીર ગણીને વહેલામાં વહેલી તકે સિહોરના નગરજનોને શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રહીશો પાણીનાં નમુના લઇને ન.પા. કચેરીએ દોડી આવ્યા
સિહોરમાં આવેલા જગદીશશ્વરાનંદ સોસાયટી સહિતના આજુબાજુના વિસ્તારોમાં રહેતા રહીશો ડહોળું પાણી બોટલો ભરીને નગરપાલિકા કચેરી ખાતે વિપક્ષના નેતા સાથે ચીફ ઓફિસરને રજુઆત કરવા દોડી આવ્યા હતા જ્યાં રહીશો દ્વારા પાણી માટે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને રહીશોએ રોષ સાથે રજુઆત કરી હતી કે એક તો અમો નિયમિત પાણીવેરા સહિતના વેરા ભરવા છતાં પણ નિયમિત રીતે અને શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવતું નથી આ પાણી પીવાથી અમારા પરિવારના સભ્યોને અનેક રોગો ઉત્પન્ન થઈ શકે તેમ છે તંત્ર શું કરી રહ્યું છે! બીજા વિસ્તારમાં શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે છે અમારા વિસ્તારમાં કેમ નહીં? ભેદભાવની નીતિ રાખવામાં આવી રહી છે અમોને શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.
આ બાબતે ફીલ્ટર પ્લાન્ટ સહિતના અહેવાલ સુપરવાઈઝર પાસેથી મંગાવી આ વિસ્તારમાં શુધ્ધ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમ
ચીફ ઓફિસર વિશાલભાઈ શુકલએ જણાવ્યું હતું.
અવારનવાર રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય
સિહોરમાં છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર ૫ અને ૯ ના વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણ થતું હોવાની સમસ્યા અંગે અવારનવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને કરોડોના ખર્ચે બનેલ ફિલ્ટર પ્લાન્ટ ભ્રષ્ટાચાર ના ભોરિંગ હેઠળ શોભાના ગાંઠિયા સમાન બની રહેલ હોવાનું ન.પા.ના વિપક્ષ નેતાએ જણાવેલ.
પાણીનું ૧૩ કરોડ રૂપિયા બિલ બાકી
સિહોર નગરપાલિકાને દરરોજનું સાડા દસ એમ એલ ડી મહિપરીએજ નું પાણી આપવામાં આવે છે અને જેનું બીલ ૧૩,૧૮,૦૯૮૫૯ રૂપિયા બાકી છે.તેમ
ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કા.ઈજનેર એમ.બી. પરમારે જણાવ્યું હતું.





