ગઈકાલે શુક્રવારે દિવસ ભર અસહ્ય ગરમી અને બફારા બાદ મોડી રાત્રીના ભાવનગર શહેરમાં ગાજ વીજ સાથે તોફાની વરસાદ ત્રાટક્યો હતો અને માત્ર અડધા કલાકના સમયમાં જ સવા ઈચ જેટલો વરસાદ પડી જતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવન અને તોફાની વરસાદના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વિજળી ગુલ થઈ જવા પામી હતી. અને ગગનભેદી કડાકા-ભડાકાથી લોકો ભર નિદરમાથી જાગી ગયા હતા.
અરબી સમુદ્રમાં સર્જયેલા લો પ્રેસરના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે ગઈકાલે શુક્રવારે દિવસ ભર ગરમી અને બફારાનુ પ્રમાણ વધુ રહેવા પામ્યુ હતુ. રાત્રીના ૧૨-૩૦ વાગ્યા આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વિજળીના કડાકા અને વાદળોના બિહામણા અવાજાે સાથે રૌદ્ર સ્વરૂપે મેઘરાજા ત્રાટકયા હતા અને તુરંત જ શહેરના મોટા ભાગના વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો. અને માત્ર વિસેક મિનિટના સમય ગાળામાં ધોધમાર સવા ઇચ વરસાદ પડી ગયો હતો જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.
ભાવનગર ઉપરાંત ઘોઘા, પાલીતાણા અને વલભીપુરમા પણ વરસાદ પડ્યો હતો.
મોડી રાત્રીના શહેરમાં પડેલા વરસાદના કારણે શહેરના મહીલા કોલેજ સહિત કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. આજે સવારથી શહેરમા વાતાવરણ એકદમ સ્વચ્છ રહેવા સાથે ફરી બફારાનુ પ્રમાણ વધવા પામ્યું છે.