હે….ભાવનગરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મેગા અભિયાન: ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોને રૂ.૭.૬૬ કરોડના સાધનો મળશે
પેટા….શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે; ભાવનગરમાં 2500થી વધુ લાભાર્થીને સાધન સહાય બાદ જિલ્લામાં તબક્કાવાર કાર્યકમોનું આયોજન
ભાવનગર,તા.30
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સંચાલિત ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે એક વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. “સશક્ત વૃદ્ધજન, સશક્ત સમાજની દિશામાં એક સશક્ત પ્રયાસ” ના મંત્ર સાથે શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને વ્હીલચેર, શ્રવણ યંત્ર, વોકર, ચશ્મા અને કૃત્રિમ દાંત જેવા જીવનઉપયોગી સાધનો મફત પૂરા પાડી ટેકો આપવાનો છે.
ભાવનગર સંસદીય ક્ષેત્રમાં જિલ્લા વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકારના ઉપક્રમ ALIMCO ના સંયુક્ત સહયોગથી વયોવૃદ્ધો માટે ૧૪ જેટલી વિશેષ મૂલ્યાંકન શિબિરોનું સફળ આયોજન કરાયું હતું. આ શિબિરો દરમિયાન રેકોર્ડબ્રેક ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોનું મૂલ્યાંકન કરીને તેમના માટે રૂ. ૭.૬૬ કરોડની કિંમતના સહાયક ઉપકરણો મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનાગના સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા શિબિરોની વ્યવસ્થાઓની સતત સમીક્ષા કરવામાં આવી હતી અને તેમના જ વ્યાપક પ્રયાસોથી લાભાર્થીઓ માટે પરિવહન, નોંધણી અને તબીબી નિષ્ણાતોની સુગમ વ્યવસ્થા કરાતા ભાવનગર જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મૂલ્યાંકન કાર્ય સાથે પ્રથમ ક્રમે રહ્યો છે.
આ યોજના હેઠળ આગામી ૧લી જુલાઈ ૨૦૨૬ને બુધવારે ભાવનગરમાં પ્રથમ સાધન વિતરણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ મહોદય ખાસ ઉપસ્થિત રહીને લાભાર્થીઓનો ઉત્સાહ વધારશે. આ પ્રથમ તબક્કામાં ભાવનગર શહેરના ૨,૫૬૯ થી વધુ વરિષ્ઠ નાગરિકોને આશરે રૂ. ૨.૪૯ કરોડના ઉપકરણો એનાયત કરવામાં આવશે. ત્યારબાદ સિહોર, વલ્લભીપુર, તળાજા, મહુવા અને પાલીતાણા સહિતના અન્ય તમામ તાલુકાઓમાં પણ તબક્કાવાર રીતે કુલ ૮,૦૦૦ થી વધુ વૃદ્ધોને સાધનો વહેંચવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ” ના સંકલ્પને જમીની સ્તરે સાકાર કરતી આ સંવેદનશીલ યોજના સમાજના વંચિત વર્ગોની સામાજિક સુરક્ષા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.






