જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર તથા એસ.વી.એસ-૫ (મંથન) મહુવાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મહુવાની નૂતન વિદ્યાપીઠ ખાતે એક વિશેષ સન્માન સમારોહ તેમજ શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શાળાઓને બિરદાવવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં મહુવા તાલુકામાં વર્ષ ૨૦૨૬ની SSC અને HSC બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, ગૌરવરૂપ સિદ્ધિ હાંસલ કરી SSCની પરીક્ષામાં ૧૦૦% પરિણામ લાવનાર મહુવા તાલુકાની ૧૫ શાળાઓ અને HSC ની પરીક્ષામાં ૧૦૦% પરિણામ લાવનાર ૩૦ શાળાઓના આચાર્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ વિશેષ ઉપસ્થિત રહીને સૌને ઊંડાણપૂર્વકનું શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમના હસ્તે સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરીના ઇ.આઈ. ડૉ. ડી. એસ. સોલંકી, ઇ.આઈ. એ.વી. સરવૈયા તથા એ.ઇ.આઈ. નિલેશભાઈ બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણજગતના પી. બી. મકવાણા, ભરતભાઈ બલદાણીયા, ભરતભાઈ હડિયા, સંજયભાઈ સોલંકી અને સુખાભાઈ ડાભી સહિતના મહુવાના ગુરુજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.






