સિહોર બસ સ્ટેન્ડ પર રોજેરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે. મુસાફરોની સુવિધા માટે સરકાર દ્વારા નવી અને આકર્ષક બસો રૂટ પર દોડાવવામાં આવી રહી છે. પરંતુ સિહોર બસ સ્ટેન્ડ પર એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં ખાનગી વાહનચાલકોનો જમાવડો છે. બસ સ્ટેન્ડની અંદરથી જ ખુલ્લેઆમ સાદ પાડીને ખાનગી મિની બસો અને ઈકો કારના ચાલકો મુસાફરો ભરી જાય છે. એસટી બસ આવે તે પહેલાં જ આ વાહનો રૂટ પર આગળ નીકળી જઈને ગામેગામથી પેસેન્જરો બેસાડી એસટી નિગમને મસમોટી આર્થિક નુકશાની પહોંચાડી રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે, GSRTCના અધિકારીઓ સરકારી જીપ લઈને ચેકિંગ માટે ફરતા હોય છે, પરંતુ આ ગેરકાયદેસર ચાલતા ખાનગી વાહનો સામે કોઈ કાર્યવાહી કરતા નથી. સિહોર બસ સ્ટેન્ડ પર ટ્રાફિક કંટ્રોલરની નિમણૂક હોવા છતાં આ વાહન ચાલકોને કોઈ ડર નથી. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ સમગ્ર નેટવર્ક પર અધિકારીઓની ખાસ રહેમદ્રષ્ટિ છે.
ઉપરાંત, ટેક્સી પાસિંગના નિયમો નેવે મૂકીને પ્રાઇવેટ પાસિંગ ધરાવતા વાહનોનો ઉપયોગ કોમર્શિયલ હેતુ અને મુસાફરોની હેરફેર માટે ખુલ્લેઆમ થઈ રહ્યો છે. જેનાથી RTOના ટેક્સની પણ ચોરી થઈ રહી છે. તંત્રની આ ઘોર લાપરવાહીના કારણે સરકારને એસટીની આવક અને આરટીઓ ટેક્સ એમ બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ઉચ્ચ કક્ષાએથી કડક તપાસ થાય તે જરૂરી છે.






