ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ક્રિકેટર મનજોત કાલરાની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી છે. હાલમાં રમાઈ રહેલી લંકા પ્રીમિયર લીગમાં જાફના કિંગ્સ ટીમના સહ-માલિક બનેલા 27 વર્ષીય મનજોત કાલરા પર એક ખેલાડીને મેચ ફિક્સિંગ માટે ઉશ્કેરવાનો (લાલચ આપવાનો) ગંભીર આરોપ લાગ્યો છે. રમતગમતના ગુનાઓ રોકવા માટે બનેલી શ્રીલંકા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) દ્વારા શુક્રવારે આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, ધરપકડ બાદ મનજોત કાલરાને કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને 31 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં (જેલમાં) મોકલી આપ્યો છે. આ કેસમાં માત્ર મનજોત જ નહીં, પરંતુ યુવરાજ પુષ્પા નામના અન્ય એક ભારતીય નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને પણ મનજોતની સાથે જેલ ભેગો કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાને પગલે રમતગમત ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે.
આ મોટી ધરપકડ બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (SLC) સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. બોર્ડે જણાવ્યું છે કે આ ઘટનાની લંકા પ્રીમિયર લીગના આયોજન પર કોઈ અસર નહીં પડે અને મેચો તેના સમયપત્રક મુજબ જ રમાશે. બોર્ડે તપાસ કરનારી એજન્સીઓને પૂરેપૂરો સાથ આપવાની ખાતરી આપી છે. બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ક્રિકેટમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં અને લીગની ઈમાનદારી જાળવી રાખવા માટે એન્ટિ-કરપ્શન યુનિટ સતત પોલીસ સાથે મળીને કામ કરી રહ્યું છે.
મનજોત કાલરા વર્ષ 2018 ના આઈસીસી (ICC) અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારીને રાતોરાત સ્ટાર બન્યો હતો. જોકે, ત્યારબાદ ઉંમરમાં છેતરપિંડી (એજ ફ્રોડ) ના કેસમાં ફસાવાને કારણે તેની ક્રિકેટ કરિયર બગડી ગઈ હતી અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. ક્રિકેટ રમવાનું છૂટી ગયા પછી તેણે સ્પોર્ટ્સ બિઝનેસ શરૂ કર્યો અને આ વર્ષે જ LPL ની જાફના કિંગ્સ ફ્રેન્ચાઇઝી ખરીદીને તેનો સહ-માલિક બન્યો હતો, પરંતુ હવે ફિક્સિંગના આરોપે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.






