સિહોર તાલુકાના ધ્રુપકા અને આસપાસના ગામોને સિંહ તથા દીપડા જેવા હિંસક પ્રાણીઓએ બાનમાં લીધા છે. છેલ્લા ૧૫ દિવસથી સિહોર અને ધ્રુપકા વચ્ચેના જંગલ વિસ્તારમાં ધામા નાખનાર આ વન્યજીવોના સતત આંટાફેરાથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ધ્રુપકા ગામની આસપાસ છેલ્લા એક જ સપ્તાહમાં સિંહે ચોથું મારણ કર્યું છે. મંગળવારે સવારે પ્રાથમિક શાળાથી માત્ર ૫૦૦ મીટર દૂર દાનાભાઈ મેરની ગાયનો શિકાર કર્યો હતો. ત્યારબાદ શુક્રવારે પણ સિંહે મનસુખભાઈ મકવાણાની ગાય પર તરાપ મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટના બાદ તરત જ શુક્રવારે બપોરે મુકેશભાઈ વાઘેલાના મકાઈના ખેતરમાં દીપડો પણ આંટા મારતો જોવા મળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
હાલ ચોમાસાની ખેતીની ભરપૂર સિઝન ચાલી રહી છે, ત્યારે સિંહ પરિવારના સતત આંટાફેરાથી ધરતીપુત્રો વાડીએ જતા કે પશુપાલકો ઢોર ચરાવવા જતા ડરી રહ્યા છે. સિહોર પંથકના ધ્રુપકા, રાજપરા (ખો), જૂના જાળિયા, ભડલી, રબારિકા સહિતના ગામોમાં ૬ જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે. જંગલી પ્રાણીઓ નીલગાય કે હરણને બદલે સરળ શિકાર તરીકે ગાય-વાછરડાને નિશાન બનાવી રહ્યા છે.
જીવના જોખમ વચ્ચે પણ જવાબદાર તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે કચવાટ અને રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગ અને સરકાર વહેલામાં વહેલી તકે વન્યજીવોને જંગલ તરફ વાળવા યોગ્ય પગલાં ભરે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી છે, જેથી ખેડૂતો નિર્ભય બનીને પોતાનું ખેતીકામ કરી શકે.






