અમેરિકન સમાચાર પત્ર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ (The New York Times) દ્વારા પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK) ને “પાકિસ્તાની કાશ્મીર” તરીકે દર્શાવતા અહેવાલ સામે ભારતે ભારે વિરોધ નોંધાવ્યો છે. વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરો પ્રહાર કરતા સ્પષ્ટ કર્યું છે કે, “કોઈ ‘પાકિસ્તાની કાશ્મીર’ નથી, તે માત્ર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબ્જે કરાયેલું કાશ્મીર (PoK) છે.”
ભારતીય દૂતાવાસે ન્યૂયોર્ક ટાઈમ્સના હેડલાઈન અને શબ્દપ્રયોગને ભ્રામક અને ગલત ગણાવતા ફરી એકવાર ભારતનું વલણ દોહરાવ્યું છે. નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો પહેલા પણ, આજે પણ અને હંમેશા ભારતનો અવિભાજ્ય અને અખંડ ભાગ રહેશે. આ સાથે જ ભારતે ઉમેર્યું કે પાકિસ્તાને આ વિસ્તારો પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે અને ત્યાંના સ્થાનિક લોકો સામે સતત હિંસાનો ઉપયોગ કરી રહ્યું છે.
અમેરિકન અખબારે PoK ના મીરપુર વિસ્તારમાં હાલમાં જ નાગરિક અધિકારો માટે લડતા ‘જોઈન્ટ આવામી એક્શન કમિટી’ના સભ્યો અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે થયેલી હિંસક ઝડપ પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલમાં હિંસા દરમિયાન બે લોકોના મોત અને ચૂંટણી પ્રક્રિયા ખોરવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, રિપોર્ટિંગ દરમિયાન PoK ને “પાકિસ્તાની કાશ્મીર” લખાતાં જ ભારતે તેને સખત શબ્દોમાં સુધારીને કડક પ્રતિક્રિયા આપી છે.






