જમીન કે હવાઈ માર્ગે ભારત સામે વારંવાર પછડાટ ખાધા પછી પાકિસ્તાને હવે પશ્ચિમી દરિયાઈ સરહદ પર એક નવો નાપાક પેંતરો રચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતને ટાર્ગેટ બનાવવાના મલિન ઈરાદા સાથે પાકિસ્તાને કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા અતિ સંવેદનશીલ સીરક્રીક અને હરામી નાળા વિસ્તારની નજીક મોટા પાયે ક્ષેત્રીય સૈન્ય હલચલ શરૂ કરી છે. આ સમગ્ર કામગીરી પાકિસ્તાન સેનાના વડા અસીમ મુનીરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ ચાલી રહી હોવાના ચિંતાજનક અહેવાલ મળી રહ્યા છે.જેને લઈને ભારતીય સુરક્ષાદળો એલર્ટ મોડમાં આવી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાને પોતાના ‘અબાબીલ – ધ ડિવાઇન સ્ટ્રાઇક’ નામના વિશેષ પ્રકલ્પ હેઠળ સીરક્રીક નજીક નૌકાદળ અને સૈન્ય માળખાનું ઝડપથી વિસ્તરણ હાથ ધર્યું છે. આ ઘેરાબંધીને વધુ મજબૂત કરવા પાકિસ્તાન પોતાના પરમ મિત્ર ચીન અને તુર્કીની સક્રિય મદદ લઈ રહ્યું છે. આ કાવતરાના ભાગરૂપે ક્રીક ક્ષેત્રમાં અદ્યતન રોકેટ પ્રણાલી, ચીની બનાવટના હાઈ-સ્પીડ હોવરક્રાફ્ટ, નૌકાદળની બોટો અને તુર્કીના વિસ્ફોટક વહન ક્ષમતા ધરાવતા ડ્રોન તહેનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં જળ, જમીન અને હવામાં એકસાથે જોખમી મિશન પાર પાડવા માટે પાકિસ્તાન નૌકાદળે તેના અત્યંત તાલીમબદ્ધ ‘નેવલ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ’ ના કમાન્ડોને પણ ઉતારી દીધા છે. ક્રીકની દલદલીય જમીન અને અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળ તેમજ સીમા સુરક્ષા દળની હાજરીને પડકારવા માટે આ નવો રોકેટ ફોર્સ અને એર ડિફેન્સ કમ્બાઈન્ડ પ્લાન તૈયાર કરાયો છે.
ભૂતકાળમાં પણ કચ્છના આ માર્ગેથી ઘૂસણખોરી, માદક પદાર્થોની હેરાફેરી અને બિનવારસી બોટ મળવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, ત્યારે પાકિસ્તાનની આ નાપાક હરકતોને ધ્યાનમાં રાખીને ભારતીય સુરક્ષા એજન્સીઓ અને કોસ્ટ ગાર્ડ દ્વારા પશ્ચિમી દરિયાઈ સીમા પર સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે અને સરહદ પર ચુસ્ત નિરીક્ષણ ગોઠવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અને કોઈપણ નાપાક ઇરાદાઓને નાકામ કરવા ભારતીય સેન્ય સજ્જ થયું છે.






