ઝારખંડના રામગઢ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પતરાતુ બ્લોક હેઠળ આવેલા બરકાકાના વિસ્તારની એક ખાનગી આયર્ન ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ ફેક્ટરી પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળતા કામ કરી રહેલા 3 એન્જિનિયરોના ઘટનાસ્થળે જ દાઝી જવાથી મોત થયા છે, જ્યારે 1 મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, બરકાકાના ઓપી વિસ્તારના હેહલ સ્થિત ‘મા છિન્નમસ્તિકા સિમેન્ટ એન્ડ ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડ’ સ્પોન્જ-આયર્ન ફેક્ટરીના પાવર પ્લાન્ટમાં આ દુર્ઘટના સર્જાઈ છે. રાત્રિ શિફ્ટ દરમિયાન પ્લાન્ટમાં અચાનક જોરદાર ધમાકો થયો હતો અને જોતજોતામાં આગ પાવર પ્લાન્ટમાં પ્રસરી ગઈ હતી. અચાનક થયેલા આ વિસ્ફોટને કારણે ફેક્ટરીમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
એક મજૂર ગંભીર રીતે દાઝ્યો હોવાથી હોસ્પિટલ ખસેડાયો
આ દુર્ઘટનામાં રાંચીના રહેવાસી અને ફેક્ટરીના શિફ્ટ ઇન્ચાર્જ સંજીવ કુમાર કેસરી, બોકારોના રહેવાસી અને એન્જિનિયર વિનીત મહતો અને ગઢવાના રહેવાસી અને એન્જિનિયર અભિષેક પાંડેનું આગની આ દુર્ઘટનામાં મોત થયું છે. આ અકસ્માતમાં હજારીબાગના રહેવાસી તરુણ રજવાર નામનો મજૂર ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને ત્વરિત સારવાર અર્થે રાંચી રોડ પર આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બ્લાસ્ટ કયા કારણોસર થયો? શોર્ટ સર્કિટ, ઓવરહીટિંગ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી ના કારણે આ બ્લાસ્ટ થયો કે કેમ? તે અંગે સ્થાનિક પ્રશાસન અને સંબંધિત એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.




