પેટ્રોલિયમ ઉત્પાદનોના સપ્લાયમાં હંમેશાં સાઉદી અરેબિયા, કતાર અને UAE જેવા ગલ્ફ દેશોનું વર્ચસ્વ રહ્યું છે. પરંતુ, ભારતે હવે વૈશ્વિક રિફાઇન્ડ ઇંધણ બજારમાં પોતાની તાકાત બતાવી છે. પશ્ચિમ એશિયામાં સપ્લાય રૂટમાં થયેલા અવરોધોનો ફાયદો ઉઠાવીને ભારત કેન્યા અને અન્ય આફ્રિકન બજારોમાં યુએઈ અને સાઉદી અરેબિયાને પાછળ છોડીને સૌથી મોટો પેટ્રોલિયમ સપ્લાયર બની ગયું છે.
પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ અને વેપાર માર્ગો ખોરવાવાને કારણે કેન્યાને ઇંધણના પુરવઠામાં મુશ્કેલી પડી રહી હતી. અગાઉ કેન્યા સાઉદી અરામકો અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની પાસેથી ઇંધણ ખરીદતું હતું.કેપ્લરના ડેટા મુજબ, યુએઈથી કેન્યાનો સપ્લાય જાન્યુઆરીમાં ૯૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ હતો, જે ઓગસ્ટમાં ઘટીને માત્ર 15,000 બેરલ થઈ ગયો. આ ગેપ પૂરવા માટે કેન્યાએ ભારત તરફ વળવું પડ્યું. ઊર્જા વિશ્લેષક અનસ અલ્હાજીના જણાવ્યા મુજબ, જુલાઈમાં આફ્રિકામાં ભારતની પેટ્રોલિયમ નિકાસમાં વાર્ષિક ધોરણે ૬૬% નો જંગી વધારો નોંધાયો છે. યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયન ક્રૂડમાંથી બનેલા રિફાઇન્ડ ઇંધણ પર પ્રતિબંધ મૂકવામાં આવતા, ભારતીય રિફાઇનરીઓએ પોતાનો સપ્લાય યુરોપથી ફેરવીને આફ્રિકન બજારોમાં વાળ્યો છે, જે તેમના માટે ફાયદાકારક સાબિત થયું છે.
ભારત પોતાની જરૂરિયાતનું ૯૦% થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે, પરંતુ તેને રિફાઇન કરીને નિકાસ કરવામાં ભારત મોખરે છે.ભારત વિશ્વનો ચોથો અને એશિયાનો બીજો સૌથી મોટો ઓઇલ રિફાઇનર દેશ છે.દેશમાં ૨૨ કાર્યરત રિફાઇનરીઓ છે, જેમની કુલ વાર્ષિક ક્ષમતા ૨૫૮.૧ મિલિયન ટન છે.ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી વિશ્વનું સૌથી મોટું ઓઇલ રિફાઇનિંગ સંકુલ છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના ડેટા અનુસાર, ભારત કેન્યાનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર રહ્યો છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ $૪.૩૧ બિલિયન હતો. આમાં ભારતની નિકાસ $૪.૦૧ બિલિયન હતી, જેમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો હિસ્સો સૌથી મોટો છે. જુલાઈ મહિનામાં ભારતની વૈશ્વિક પેટ્રોલિયમ નિકાસનું મૂલ્ય પણ $૪.૧૩ બિલિયનથી ઉછળીને $૬.૯૨ બિલિયન થઈ ગયું હતું. મજબૂત રિફાઇનિંગ ક્ષમતાને કારણે ભારત આજે ઇંધણ નિકાસમાં મહાસત્તા બની રહ્યું છે.




